ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં તળાવની પાર વિસ્તારમાં રહેતા ઇમરાન પટેલના ઘરમાં રાત્રિના સમયે એક 7 ફૂટ લાંબો વિશાળ અજગર ઘૂસી આવ્યો હતો. જેને લઈ ભયના માહોલ વચ્ચે દોડધામ મચી હતી. ઇમરાન પટેલના પત્ની ઝરીના પટેલ ઘરકામ કરી રહ્યા હતા. દરમિયાન તેમની નજર અચાનક ઘરમાં પ્રવેશેલા વિશાળ અજગર પર પડતાં તેમણે બૂમાબૂમ કરી હતી. અજગર ઘરમાં તિજોરી નીચે લપાઈ ગયો હતો. પત્નીની બૂમો સાંભળી પતિ તાત્કાલિક ઘરમાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ પણ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.
વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અંદાજે 7 ફૂટ લાંબા અજગરનું તિજોરી નીચેથી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ અજગરને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અજગર પકડાઈ જતાં પરિવાર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા અજગરને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
