। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં ખનીજ ચોર બેફામ બન્યાં છે ત્યારે તેમના પર અંકુશ લાવવા માટે જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવાણેએ ખાસ ઝૂંબેશ હાથ ધરવા માટે તાકીદ કરી છે. જેના ભાગરૂપે છેલ્લાં એક સપ્તાહથી વહિવટી તંત્ર તેમજ ખાણખનિજ વિભાગે એક્શનમાં આવી સતત કાર્યવાહી કરી છે. દરમિયાનમાં શનિવારે પણે એસડીએમ, ભુસ્તરશાસ્ત્રી તેમજ મામલતદારની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શુક્લતીર્થ પંથકમાંથી નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચવા વપરાતી ૧.૨૫ કરોડની ૨૫ યાંત્રિક બોટ તેમજ ૧ કરોડનીમત્તાની ટ્રક મળી કુલ ૨.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામની સીમમાં નર્મદા નદીમાંથી રેતી કાઢવા માટેની લીઝ ધરાવતાં લીઝ ધારકો પૈકીના કેટલાંક લીઝ ધારકો તેમને મળેલાં પરવાનગી સ્થળની હદની બહાર જઈ ગેરકાયદે રીતે રેતી ઉલેચવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જે અંગે સ્થાનિકો દ્વારા તેમજ જાગૃત નાગરિકો દ્વારા ખાણ-ખનિજ વિભાગ તેમજ અન્ય વહિવટી વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. ત્યારે જિલ્લાકલેક્ટર ડો. નવનાથ ગવાણેના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન સદંતર બંધ થાય તેમજ ખનીજ ચોરીની પ્રવૃત્તીઓને સંપૂર્ણ પણે નાબૂદ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી વહિવટીતંત્ર દ્વારા કડક સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં તમામ તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દરમિયાનમાં શનિવારે ભરૂચના એસડીએમ મનીષા માનાણી, ભુસ્તરશાસ્ત્રી નિકુલ દેસાઈ તેમજ મામલતદાર માધવી મિસ્ત્રીની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામની સીમમાં આવેલી રેતીની લીઝો પર ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટીમોએ ચેકિંગ વેળાં સ્થળ પરથી કુલ ૪ ટ્રક ઝડપી પાડી હતી. જેથી કુલ કિંમત ૧ કરોડ આંકવામાં આવીહતી, બીજી તરફ રેતી માફિયાઓએ તેમના વિસ્તારથી બહારની અને નદીના પેટાળમાંથી રેતી ઉલેચવા માટે યાંત્રિક બોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ટીમે વિસ્તારમાં આવેલી લીઝોમાંથી કુલ ૧.૨૫ કરોડની કિંમતની કુલ ૨૫ યાંત્રિક નાવડીઓ પણ જપ્ત કરી હતી.
