Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સલાદરા નજીક નિર્માણાધીન આયશા રેસિડેન્સીમાં કરંટ લાગતા 19 વર્ષીય યુવતીનું કરુણ મોત : બચાવવા દોડેલી મહિલા પણ કરંટની ઝપેટમાં આવી : બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા

Share

વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક આવેલી નિર્માણાધીન આયશા રેસિડેન્સી ખાતે શુક્રવારે સવારે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સવારે અંદાજે 8 વાગ્યાના અરસામાં વીજ કરંટ લાગતા મૂળ મધ્ય પ્રદેશની વતની અને હાલ કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેતી 19 વર્ષીય રવીનાબેન સંજયભાઈ રાજુભાઈ સિંગાડીયાનું દુઃખદ મોત નીપજ્યું હતું. જ્યારે તેમને બચાવવા દોડી ગયેલી અન્ય મહિલા પણ કરંટની ઝપેટમાં આવી ઈજાગ્રસ્ત થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સલાદરા બસ સ્ટેન્ડ નજીક મેઈન રોડની બાજુમાં આયશા રેસિડેન્સીનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે. બિલ્ડિંગના નીચેના ભાગે બનાવવામાં આવેલી દુકાનોમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શુક્રવારે સવારે અંદાજે 8 વાગ્યાના અરસામાં રવીનાબેન દુકાનનું શટર બંધ કરી રહ્યા હતા. આ દરમિયાન શટરના નીચેના ભાગે રહેલા વીજ વાયરનો સંપર્ક થતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. અચાનક બનેલી ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
રવીનાબેનને બચાવવા માટે દોડી ગયેલી સાહેદ દુર્ગાબેન પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. એકસાથે બંને મહિલાઓ કરંટનો ભોગ બનતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બંનેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ 19 વર્ષીય રવીનાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત અન્ય મહિલાની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો તેમજ અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટના કયા સંજોગોમાં બની અને વીજ કરંટ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
સ્થાનિકોમાં રોષ, જવાબદારો સામે કાર્યવાહીની માંગ
આ કરુણ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિર્માણાધીન બિલ્ડિંગમાં શ્રમિકોની સુરક્ષા અને વીજ વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોની માંગ છે કે જો તપાસમાં કોઈની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવે તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. માત્ર 19 વર્ષની યુવતીનું વીજ કરંટથી મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સ્થાનિકોએ ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નિર્માણાધીન સ્થળોએ વીજ સુરક્ષા સહિતના જરૂરી સલામતીના નિયમોનું કડક પાલન કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની IL TakeCare એપ દ્વારા હીટવેવ એડવાઈઝરી જારી કરી.

ProudOfGujarat

ઝઘડિયાના ગોવાલી ગામે મોટરમાં વાયરો નાંખવાની બાબતે બે ભાઇઓ વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

ProudOfGujarat

કૃષ્ણા શ્રોફ “છોરી નંબર 1” બન્યા અને “છોરીઓ ચલી ગાંવ” માં ઘરની “માલકિન” પણ બન્યા!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!