Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જાગેશ્વરમાં જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારોનું આંદોલન તેજ, કાયમી રોજગારીની માંગ સાથે કંપનીના ગેટ સામે અનિશ્ચિત ધરણાં

Share

 

1996-97માં જમીન સંપાદન સમયે અપાયેલા વચનો અમલમાં મૂકવાની માંગ; બે વર્ષથી રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો

Advertisement

ભરૂચ:
ભરૂચ નજીક આવેલા જાગેશ્વર ગામમાં વર્ષો પહેલાં ઔદ્યોગિક વિકાસ માટે પોતાની ખેતીની જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારોના યુવાનોમાં રોજગારીના પ્રશ્ને ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા બે વર્ષથી વિવિધ સ્તરે રજૂઆતો કરવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાતા સ્થાનિક ખેડૂતો અને યુવાનો હવે કંપનીના મુખ્ય ગેટ સામે અનિશ્ચિત મુદતના ધરણાં પર બેસી ગયા છે.

મળતી માહિતી અનુસાર વર્ષ 1996-97 દરમિયાન જાગેશ્વર ગામની ખેતીની જમીનો ઔદ્યોગિક વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પ્રતિ એકર અંદાજે ₹56 હજારનું વળતર ચૂકવવા ઉપરાંત તેમના પરિવારોને કાયમી રોજગારી અને વિસ્તારના વિકાસ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી.

શરૂઆતના તબક્કામાં એ.બી.જી. શિપયાર્ડમાં જમીન ગુમાવનારા કેટલાક પરિવારોના સભ્યોને રોજગારી આપવામાં આવી હતી. જોકે કંપની બંધ થઈ જતા તેઓ ફરીથી બેરોજગાર બન્યા હતા.

હાલમાં આ મિલકતનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કંપનીમાં કામગીરી શરૂ થઈ હોવા છતાં જમીન ગુમાવનારા સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ આંદોલનકારીઓએ કર્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, GIDC અને GPCBના અધિકારીઓની હાજરીમાં કંપની સાથે અનેક બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં જમીન ગુમાવનારા પરિવારોને રોજગારી મળવી તેમનો અધિકાર હોવાનું પણ સ્વીકારવામાં આવ્યું હતું. તેમ છતાં કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા ખેડૂતો અને યુવાનોને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી જમીન ગુમાવનારા ખેડૂતોના પુત્રોને કંપનીમાં કાયમી રોજગારી આપવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીના ગેટ સામેનું અનિશ્ચિત મુદતનું ધરણું યથાવત રહેશે.

આંદોલનને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કંપની પરિસર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


Share

Related posts

વડોદરા જિલ્લામાં વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમથી મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ…

ProudOfGujarat

અંકલેશ્વરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

ભરૂચ : જીલ્લા પંચાયતની સામેનાં ખુલ્લા પ્લોટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!