આમોદ :
ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આવેલી દરબારી મસ્જિદ ખાતે વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિદ્વાન હજરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું. માલેગાંવથી પધારેલા હજરતની તકરીર સાંભળવા આમોદ શહેર ઉપરાંત આસપાસના ગામો અને વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર દરબારી મસ્જિદ પરિસર શ્રદ્ધાળુઓની વિશાળ માનવમેદનીથી ખચાખચ ભરાઈ ગયું હતું.
દેશ-વિદેશમાં પોતાની પ્રેરણાદાયી તકરીરો માટે જાણીતા હજરત સૈયદ અમીનુલ કાદરીએ પોતાના સંબોધનમાં કોમી એકતા, ભાઈચારો, શિક્ષણ, નશામુક્તિ અને માતા-પિતાની સેવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.
યુવા પેઢીને સંબોધતા તેમણે જણાવ્યું કે, “દરેક બાળક ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ બને, શિક્ષણને પોતાની સૌથી મોટી તાકાત બનાવે અને દેશના વિકાસમાં યોગદાન આપે.” તેમણે શિક્ષણને સમાજ અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત આધાર ગણાવ્યો હતો.
નશાના વધતા દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં હજરતે જણાવ્યું કે, “શિક્ષિત સમાજ જ નશામુક્ત ભારતનું નિર્માણ કરી શકે છે. યુવાનો ભણશે, જાગૃત બનશે તો જ દેશ નશાના અભિશાપમાંથી મુક્ત થશે.”
આ ઉપરાંત તેમણે માતા-પિતાની સેવા અને વડીલોના સન્માનને જીવનનું સર્વોચ્ચ કર્તવ્ય ગણાવતાં દરેક યુવાનને પોતાના માતા-પિતાની ખિદમત અને આદર કરવાની અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે કોમી એકતા, સામાજિક સુમેળ, શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. હજરત સૈયદ અમીનુલ કાદરીના પ્રેરણાદાયી વિચારો સાંભળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો.
