ભરૂચ :
ભરૂચની 22 વર્ષીય યુવતીને ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા બાદ તેના પર વારંવાર દુષ્કર્મ આચરવા, બળજબરીથી બે વખત ગર્ભપાત કરાવવા, બ્લેકમેલ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં ભરૂચ પોલીસે મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત એક મદ્રેસાના 55 વર્ષીય ટ્રસ્ટીની ધરપકડ કરી છે. મુંબઈથી ઝડપી પાડવામાં આવેલા આરોપીને ભરૂચ લાવી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
મહિલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત “અંજુમને તકદીરૂનીશા અલ ઇસ્લામીયા લીલ બનાત” મદ્રેસાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારી સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારીએ ભોગ બનનાર યુવતીના ભાઈના મોબાઇલ ફોનમાં યુવતીની તસવીર જોઈ હતી. ત્યારબાદ તે ખાસ મુંબઈથી ભરૂચ આવ્યો હતો અને યુવતીના પરિવાર સાથે ઓળખાણ વધારી આત્મીય સંબંધો કેળવ્યા હતા. આરોપીએ યુવતીના પિતાને દીકરીને ધાર્મિક શિક્ષણ સાથે ઉચ્ચ અભ્યાસ અપાવવાનો તથા કોલેજનો સમગ્ર ખર્ચ પોતે ઉઠાવવાની ખાતરી આપતાં પરિવાર તેનો વિશ્વાસમાં આવી ગયો હતો.
પરિવારની સંમતિ બાદ યુવતીને અભ્યાસ માટે મુંબઈ સ્થિત મદ્રેસામાં મોકલવામાં આવી હતી. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ, ત્યાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી બનતાં આરોપીએ બળજબરીથી ગર્ભપાત કરાવવા માટે ગોળીઓ ખવડાવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સતત માનસિક અને શારીરિક શોષણથી કંટાળીને યુવતી અંતે મુંબઈ છોડીને પોતાના વતન ભરૂચ પરત ફરી આવી હતી.
યુવતી ભરૂચ પરત આવ્યા બાદ પણ આરોપીનો ત્રાસ યથાવત રહ્યો હતો. ફરિયાદ મુજબ આરોપી સતત ફોન કરીને તેમજ ભરૂચ આવીને યુવતી પર ફરી મુંબઈ આવવા દબાણ કરતો હતો. યુવતીએ ઇનકાર કરતાં તેણે બોગસ નિકાહનામામાં ફસાવી દેવાની, અંગત ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આખરે યુવતીએ સમગ્ર આપવીતી પોતાના માતા-પિતાને જણાવી હતી. ત્યારબાદ મહિલા પોલીસ મથકે મહિલા પીએસઆઈ વૈશાલી આહીરના માર્ગદર્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ શહેર એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી.
પીઆઈ આર. એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિશેષ ટીમે મહારાષ્ટ્રમાં દરોડો પાડી આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ભરૂચ લાવી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આરોપીના મોબાઇલ, દસ્તાવેજો, કથિત નિકાહનામું તેમજ અન્ય પુરાવાઓના આધારે સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાથે જ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
