Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચાલુ ટ્રેનમાં મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ જીવલેણ બન્યો : પાનોલી રેલવે સ્ટેશન પર યુવાનનું ટ્રેન નીચે આવી જતાં મોત, ઘટનાના CCTV ફૂટેજ વાયરલ

Share

 

ભરૂચ:

Advertisement

પશ્ચિમ રેલવેના ભરૂચ વિભાગમાં ચાલુ ટ્રેનમાંથી મુસાફરોના મોબાઈલ ઝૂંટવી લેવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. મોબાઈલ ચોરી કે ઝૂંટવવાના પ્રયાસમાં મુસાફરોના જીવ જોખમમાં મુકાતા હોવાના બે બનાવ સામે આવ્યા છે. પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ ઝૂંટવવાના પ્રયાસ દરમિયાન યુવાન ટ્રેન નીચે આવી જતાં તેનું મોત થયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગત 4 ઓગસ્ટે સવારે આશરે 8:30 વાગ્યે પાનોલી રેલવે સ્ટેશનના અપ પ્લેટફોર્મ નંબર-3 પર આ ઘટના બની હતી. મૂળ રાજસ્થાનના અને સુરતના ગોદાદરા વિસ્તારમાં રહેતા મુકેશ રામસિંગ ગુર્જરના પિતરાઈ ભાઈ અશોક જયસિંગ ગુર્જર સુરત તરફ આવી રહ્યા હતા. તેઓ જનરલ કોચના દરવાજા પાસે બેઠા હતા. દરમિયાન ટ્રેન પાનોલી સ્ટેશન પર ધીમી પડતાં કાળા અને સફેદ ટી-શર્ટ પહેરેલા બે અજાણ્યા શખ્સોએ તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

મોબાઈલ બચાવવાના પ્રયાસમાં અશોક ગુર્જર ટ્રેનમાંથી લપસીને પ્લેટફોર્મ પર પટકાયા હતા અને ત્યારબાદ ટ્રેનની નીચે આવી ગયા હતા. ગંભીર અકસ્માતમાં તેમના ગળાના ભાગે ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાના CCTV દૃશ્યો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રેલવે સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.

ભરૂચ પાસે પણ મોબાઈલ ઝૂંટવવાનો બનાવ

આ ઉપરાંત ભરૂચ રેલવે સ્ટેશનથી વડોદરા જતી અજમેર સુપરફાસ્ટ ટ્રેનમાં પણ મોબાઈલ ઝૂંટવવાનો બનાવ બન્યો હતો. ઝાડેશ્વર ચોકડી પાસે સુમિત્રા એપાર્ટમેન્ટમાં રહેતા અભિલાષ મોહન નાયર ભરૂચથી વડોદરા જવા જનરલ કોચમાં સવાર થયા હતા. સીટ ન મળતાં તેઓ દરવાજા પાસે ઊભા રહ્યા હતા.

ટ્રેન નંદેલાવ બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ફોન આવતા તેઓ હાથમાં મોબાઈલ રાખીને વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેકની બાજુમાં ઉભેલા અજાણ્યા શખ્સે તેમના હાથ પર ઝાટકો મારતાં મોબાઈલ નીચે પડી ગયો હતો. મોબાઈલ બચાવવાના પ્રયાસમાં અભિલાષ નાયરનું પણ સંતુલન ગુમાવતા તેઓ ટ્રેનમાંથી પડી ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. તેમનાં ચશ્માં પણ તૂટી ગયા હતા, જ્યારે ગઠિયો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો.

બંને બનાવોને પગલે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. ચાલુ ટ્રેનના દરવાજા પાસે બેઠેલા કે ઊભેલા મુસાફરો પાસેથી મોબાઈલ ઝૂંટવવાની પ્રવૃત્તિ હવે માત્ર ચોરી પૂરતી નહીં પરંતુ જીવલેણ બની રહી છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી રેલવે ટ્રેક આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.


Share

Related posts

ઓલપાડના તેના ગામે ૧૫ દિવસમાં ૧૨ થી વધુ પશુઓના મોત થતા સરકારી તંત્ર હરકતમાં 

ProudOfGujarat

કૃપા કરી ધ્યાન આપો, શું આ દુકાને આંકડા લખાઇ રહ્યા છે ? ભરૂચ જિલ્લામાં બે નંબરી તત્વો બેફામ બન્યા, વાગરામાં વરલી મટકાનાં જુગારની દુકાનનો વીડિયો વાયરલ.

ProudOfGujarat

ઝઘડિયા ગામે ગટર લાઈનનાં લિકેજ બાબતે નાયબ કલેકટરને આવેદન આપી રજુઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!