ભરૂચ :
ભરૂચ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોના બનાવોને પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા ફરી એકવાર પશુ પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાની ટીમે ગઈકાલે રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં અલગ-અલગ સ્થળેથી 3 ગાયોને ઝડપી પાડી સુરક્ષિત રીતે પાંજરાપોળમાં ખસેડવામાં આવી હતી.
શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર ગાય, આખલા સહિતના પશુઓ રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં રસ્તા વચ્ચે બેઠેલા પશુઓને કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે. અગાઉ પણ રખડતા પશુઓને કારણે અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે.
થોડા સમય અગાઉ નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે વિશેષ ઝુંબેશ ચલાવી સૌપ્રથમ ગર્દભ અને ત્યારબાદ રખડતી ગાયો તથા આખલાઓને પકડવામાં આવ્યા હતા. કામગીરી બાદ થોડા સમય માટે રસ્તાઓ પર રખડતા પશુઓની સંખ્યા ઘટી હતી. જોકે બાદમાં ફરીથી શહેરના વિવિધ માર્ગો પર પશુઓ અડીંગો જમાવતા હોવાના દૃશ્યો જોવા મળતા હતા.
દરમિયાન નગરપાલિકાએ ફરી કાર્યવાહી શરૂ કરતાં પશુમાલિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર પશુઓ પકડીને પાંજરાપોળમાં ખસેડવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. પકડાયેલા પશુઓ બાદમાં છૂટી જતા ફરી રસ્તા પર આવી જાય છે.
આથી પશુઓને જાહેર રસ્તાઓ પર રખડતા મૂકતા માલિકો સામે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી સાથે ભારે દંડ વસૂલવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે. પશુમાલિકોને આર્થિક દંડ ફટકારવામાં આવે તો જ તેઓ પોતાના પશુઓને જાહેર માર્ગો પર રખડતા મૂકવાનું ટાળશે અને શહેરમાં ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યામાં ઘટાડો થઈ શકે તેવી લોકમાંગ છે.
