ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામે સરકારી જમીન પર કાયદાના નિયમોને નેવે મુકી ઊભું કરવામાં આવેલું અને સમયાંતરે વિસ્તરેલું બાપા સીતારામની મઢુલીનું ૧૮ વર્ષ જૂનું ધાર્મિક દબાણ આખરે દૂર કરવામાં આવ્યું છે. તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી સહિત પોલીસ કાફલાની કડક નિગરાની હેઠળ દબાણ હટાવવાની કામગીરી કરી સરકારી જમીન શ્રી સરકાર હસ્તક કરવામાં આવી હતી.
સ્થાનિક અરજદાર હિતેશ પટેલના જણાવ્યાનુસાર, વર્ષ ૨૦૦૭માં સરકાર જમીન પર માત્ર એક નાના ઓટલાથી શરૂ થયેલું બિન અધિકૃત બાંધકામ ધીમેધીમે ધાર્મિક સ્થાનકનું સ્વરૂપ ધારણ કરી ગયું હતું. વર્ષ ૨૦૦૮માં પ્રથમ વખત રજૂઆત કરવામાં આવ્યાં બાદ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરીથી ત્યાં દબાણ ઊભું થયું અને સમય જતાં તેનો વિસ્તાર પણ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૦૮થી આજદિન સુધી તેમણે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત, ઈ-મેઈલ તેમજ વિવિધ ઓનલાઈન પોર્ટલ મારફતે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ આખરે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
કલેક્ટરના વર્ષ ૨૦૧૮ના હૂકમ બાદ પણ કાર્યવાહી માટે ૮ વર્ષ લાગ્યાં અરજદાર હિતેશ પટેલના જણાવ્યાનુંસાર આ મામલે વર્ષ ૨૦૧૮માં જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ પણ કરવામાં આવ્યો હતો. હુકમમાં સદરહું દબાણ અગાઉ દૂર કરવામાં આવ્યું હોવાથી ફરીથી દબાણ ન થાય તેની ખાતરી કરવા સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી હતી. છતાં આ હુકમ બાદ પણ સ્થળપર ફરીથી દબાણ જોવા મળ્યું હોવાના આક્ષેપો વચ્ચે આખરે ૨૦૨૬ માં પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, વર્ષ ૨૦૧૮ના કલેક્ટરના હુકમ બાદ પણ દબાણ દૂર કરવાની કામગીરી માટે અંદાજે ૮ વર્ષનો સમય લાગ્યો હતો.
