વાંકલ :
રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગ્રામીણ વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી ઉમરપાડા તાલુકાના ચોખાવાડા પ્રાથમિક શાળા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકાના આસપાસના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ૮૦૦થી વધુ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં હેલ્થ વેલનેસ કાર્ડના ૨૨૮, પી.એમ. સૂર્ય ઘર યોજનાના ૧૪૦, મિશન બલમસુખમ્ હેઠળ ૧૧૫, પીએમજયના ૭૦, જ્ઞાતિ પ્રમાણપત્રના ૫૪, પીએમ કિસાન સન્માન નિધિના ૫૨, ડીવર્મિંગના ૪૭, આવકના દાખલાના ૩૭ તથા આધારકાર્ડ સુધારાના ૩૦ લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પશુ રસીકરણના ૨૮, સિનિયર સિટિઝન સર્ટિફિકેટના ૨૨, રાશનકાર્ડ સંબંધિત ૨૦, જન્મ-મરણ પ્રમાણપત્રના ૧૩, મંતવ્યરૂપા સહાયના ૧૨ તથા નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાયના ૧૦ લાભાર્થીઓને પણ વિવિધ સેવાઓનો લાભ અપાયો હતો. તેમજ નમોશ્રી, લગ્ન નોંધણી, નવા વીજ જોડાણ સહિતની વિવિધ સેવાઓની અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક સરપંચો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં પ્રાપ્ત થયેલી તમામ અરજીઓનો ૧૦૦ ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હોવાનો આયોજકો દ્વારા જણાવાયું હતું. પરિણામે ગ્રામજનોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી રાહત મળી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી આપી હતી તેમજ પાત્ર લાભાર્થીઓને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
