મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 12933/12934 બાંદ્રા ટર્મિનસ–વટવા/અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે નવસારી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, 14 ઓગસ્ટ 2026થી મુસાફરી શરૂ કરતી ટ્રેન નંબર 12933 બાંદ્રા ટર્મિનસ–વટવા કર્ણાવતી એક્સપ્રેસનું નવસારી સ્ટેશન પર વધારાનું રોકાણ અમલમાં આવશે. જ્યારે 15 ઓગસ્ટ 2026થી મુસાફરી શરૂ કરતી ટ્રેન નંબર 12934 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસને પણ નવસારી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવશે.
નવસારી ખાતે નવા સ્ટોપેજને કારણે વલસાડ અને સુરત સ્ટેશનો પર ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, અન્ય સ્ટેશનો પર આ ટ્રેનના સ્ટોપેજના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કર્ણાવતી એક્સપ્રેસને નવસારી ખાતે વધારાનું સ્ટોપેજ મળવાથી નવસારી અને આસપાસના વિસ્તારોના મુસાફરોને મુંબઈ, સુરત, અમદાવાદ સહિતના શહેરો તરફ મુસાફરીમાં વધુ સુવિધા મળશે.
ટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની ઇન્ક્વાયરી વેબસાઇટ પર માહિતી મેળવી શકે છે.
