ભરૂચ :
ભરૂચમાં મેઘરાજાની સ્થાપના અને વિસર્જનનો અનોખો અને વર્ષો જૂનો ઉત્સવ આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયો છે. આશરે 250 વર્ષ જૂની આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતાં ભરૂચની લોકસંસ્કૃતિ અને ભોઈ સમાજની આગવી ઓળખ બની છે. મેઘમેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક જોડાય છે.
લોકવાયકા મુજબ ભરૂચ પંથકમાં છપ્પનિયા દુકાળ દરમિયાન ભયંકર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદા નદી અને જળમાર્ગ સાથે નજીકથી સંકળાયેલા ભોઈ સમાજે વરસાદ માટે મેઘરાજાની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. અનેક દિવસોની પ્રાર્થના છતાં વરસાદ ન પડતાં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, વિસર્જન થાય તે પહેલાં જ વરસાદ વરસી પડતાં લોકોની આસ્થા વધુ મજબૂત બની હતી. ત્યારથી મેઘરાજાની સ્થાપના, આતિથ્ય અને ત્યારબાદ વિસર્જનની પરંપરા ચાલી રહી છે.
નર્મદાની કાળી માટીમાંથી એક જ રાતમાં પ્રતિમા
અષાઢ વદ અમાસ, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે. ભોઈ સમાજના યુવાનો નર્મદા નદીની કાળી માટીના મિશ્રણમાંથી પરંપરાગત પદ્ધતિથી પ્રતિમા તૈયાર કરે છે. પ્રતિમા બનાવવાની પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવે છે અને તેમાં મર્યાદિત સંખ્યામાં ભક્તોને જ હાજર રહેવાની પરવાનગી હોય છે.
ગતરાત્રે મેઘરાજાની વિધિવત સ્થાપના
આ પરંપરા મુજબ ગતરાત્રે ભોઈ સમાજના યુવાનોએ એક જ રાત્રિમાં મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી હતી. ત્યારબાદ ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના સાથે મેઘરાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં ભરૂચ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેઘરાજાના દર્શન માટે ઉમટી પડશે.
ભરૂચનો મેઘમેળો માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ 250 વર્ષથી ચાલી આવતી લોકઆસ્થા, પરંપરા અને ભોઈ સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું જીવંત પ્રતીક છે.
