ભરૂચ:
ભરૂચ તાલુકાના મનુબર ગામ ખાતે આવેલી યુવક મંડળ હાઇસ્કૂલના પટાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા પ્રાંત અધિકારી મનિષા મનાણીએ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની અને વિદ્યાર્થીઓને સંબોધતા પ્રાંત અધિકારી મનિષા મનાણીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ એ દેશને આઝાદી અપાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા વીર શહીદોના ત્યાગ અને બલિદાનને યાદ કરવાનો અવસર છે. દેશની આઝાદી પાછળ અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાન રહેલા છે, ત્યારે નવી પેઢીએ તેમના આદર્શોને જીવનમાં ઉતારવા જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો અને યુવાધન દેશનું ભવિષ્ય છે. આવનારી પેઢીએ દેશની પ્રગતિ, સુરક્ષા અને સામાજિક એકતા માટે જાગૃત તથા કર્તવ્યનિષ્ઠ રહેવું જરૂરી છે. વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવવા તેમણે આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમનું આયોજન ભરૂચ ગ્રામ્યના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન યુવક મંડળ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો તથા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સ્થાનિક અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો, વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મનુબર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.
