ભરૂચ :
ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતોની હાલાકી યથાવત્ છે. વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં 500 એકરથી વધુ ઉપજાઉ જમીનમાં કેડસમા પાણી ભરાયેલા છે. ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો ચાલુ સિઝનમાં વાવણી સહિતનું ખેતીકામ કરી શક્યા નથી.
સ્થાનિક ખેડૂત ઇમરાન પટેલના જણાવ્યા મુજબ, કવિઠા, ઓસારા અને હલદરવા સહિત આસપાસના ગામોનું વરસાદી પાણી લુવારા ગામની સીમમાં એકઠું થાય છે. અગાઉ ગુરુદ્વારાથી લુવારા નાળા સુધી વરસાદી પાણીના કુદરતી નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી. પરંતુ હાઇવે પર નવા બ્રિજની કામગીરી દરમિયાન આ જૂની ગટર પુરાઈ દેવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
ખેડૂતોના દાવા મુજબ, હાઇવે ઓથોરિટી દ્વારા ખેતરોના લેવલ કરતાં આશરે ત્રણ ફૂટ ઊંચી નવી ગટર બનાવવામાં આવી છે. ગટરનું લેવલ ઊંચું હોવાથી ખેતરોનું પાણી તેમાં જતું નથી અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહે છે.
ખાસ વાત એ છે કે આશરે એક મહિના પહેલાં એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી. તે સમયે આગામી 10 દિવસમાં ગટર ખોદીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, 30 દિવસથી વધુ સમય વીતી જવા છતાં ગટરનો પ્રશ્ન ઠેરનો ઠેર છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ત્યારબાદ તંત્રના અધિકારીઓ સ્થળ પર પરત ફર્યા નથી.
ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચાલુ સિઝનની વાવણી કરી શક્યા નથી. જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં થાય તો આગામી મહિનાઓમાં ખેતરોમાં પ્રવેશ પણ મુશ્કેલ બની શકે છે અને ખેડૂતોને બે સિઝનના પાકથી હાથ ધોવાનો વારો આવે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોએ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર સમક્ષ જૂની ગટરને ઊંડી કરી ખુલ્લી કરવા તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા માંગ કરી છે. ખેડૂતોનો સવાલ છે કે જ્યારે 10 દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી, ત્યારે 30 દિવસ બાદ પણ કામગીરી કેમ શરૂ થઈ નથી?
