ભરૂચ:
‘જય હિંગળાજ માતા’ના જયઘોષ અને ધાર્મિક આસ્થાના માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં સોમવારે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત કાજરા ચોથના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાને જાળવી રાખતા સમાજના ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં જોડાઈ માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઈ માતાજીના મંદિર ખાતે વહેલી સવારથી જ ધાર્મિક માહોલ સર્જાયો હતો. અહીં હોમ-હવન, પૂજન સહિતની ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ કાજરાના પ્રતિક અને હિંગળાજ માતાજીના વરઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાજરા ચોથ પર્વ ક્ષત્રિય સમાજની હિંગળાજ માતા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને પેઢીઓથી ચાલી આવતી પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિયોના સંહાર સમયે ક્ષત્રિયોએ હિંગળાજ માતાનો આશ્રય લીધો હતો. માતાજીએ તેમને જીવનનિર્વાહ માટે હાથવણાટનો હુન્નર શીખવ્યો હતો. ત્યારબાદ હાથવણાટ દ્વારા તૈયાર કરાયેલી પ્રથમ ચૂંદડી માતાજીને અર્પણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક-ધાર્મિક પરંપરાની સ્મૃતિરૂપે કાજરા ચોથ ઉજવાતો હોવાનું સમાજના આગેવાનો જણાવે છે.
પર્વ નિમિત્તે સમાજની પરિણીત મહિલાઓએ ઉપવાસ રાખી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ સુદ અગિયારસથી વિવિધ ઘરોમાં માતાજીના જવારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. શ્રાવણ વદ ચોથના દિવસે માતાજીને બાજટ પર બિરાજમાન કરી ચૂંદડી ઓઢાડવામાં આવી હતી.
સિંધવાઈ માતાજીના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા કબીરપુરા અને ખત્રીવાડ વિસ્તારના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. પરંપરા અનુસાર કબીરપુરામાં વિવિધ સમાજના લોકોના ઘરે કાજરાના પ્રતિકનું નમન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
અંતે શોભાયાત્રા બરાનપુરા-ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી હતી. અહીં ધાર્મિક વિધિ બાદ કાજરાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને પવિત્ર નર્મદા નદીમાં કાજરાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર પર્વ દરમિયાન ભરૂચમાં ‘જય હિંગળાજ માતા’ના જયઘોષ, ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજે પેઢીઓથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાને શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
