ભરૂચ:
ભરૂચ જિલ્લાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓની વર્ષ 2025-26ની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી ખાતામાં જમા ન થતાં વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ માટે અરજી કરનાર અનેક વિદ્યાર્થીઓની અરજીઓ કોલેજ તથા જિલ્લાકક્ષાએથી વેરિફાય અને મંજૂર થઈ ગઈ હોવા છતાં પોર્ટલ પર લાંબા સમયથી ‘પેન્ડિંગ’ અથવા ‘અન્ડર પ્રોસેસ’ સ્ટેટસ દર્શાવાતો હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, કોલેજની ઊંચી ફી તેમજ હોસ્ટેલ સહિતના ખર્ચને પહોંચી વળવા અનેક વિદ્યાર્થીઓએ લોન અથવા ઉછીના નાણાં મેળવી ફી ભરવી પડી છે. હવે શિષ્યવૃત્તિની રકમ સમયસર ન મળતાં આગામી સેમેસ્ટરની ફી ઉપરાંત હોસ્ટેલ, પુસ્તકો, મુસાફરી અને અન્ય શૈક્ષણિક ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી પડી રહી છે.
આ મુદ્દે ભરૂચ જિલ્લાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓએ ભરૂચ સ્થિત આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી ખાતે સામૂહિક રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ પોર્ટલ પર પેન્ડિંગ રહેલી અરજીઓની તાત્કાલિક સમીક્ષા કરી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી હતી.
વિદ્યાર્થીઓએ વધુમાં રજૂઆત કરી હતી કે જો કોઈ અરજી ટેક્નિકલ ખામી, દસ્તાવેજોની અપૂર્ણતા કે અન્ય કારણસર અટકી હોય તો સંબંધિત વિભાગ દ્વારા અરજદારોને જાણ કરી તેનું ઝડપી નિરાકરણ કરવામાં આવે. આ માટે સમાજ કલ્યાણ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ખાસ હેલ્પડેસ્ક અથવા કેમ્પનું આયોજન કરવાની પણ માંગ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ તમામ પાત્ર લાભાર્થીઓની બાકી શિષ્યવૃત્તિની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે તાત્કાલિક તેમના બેંક ખાતામાં જમા કરાવવા અપીલ કરી છે. સાથે જ શિષ્યવૃત્તિમાં વિલંબને કારણે કોઈ વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
