ભરૂચ:
ભરૂચ જિલ્લામાં પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામો ઝડપથી અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા આયોજન કચેરી હેઠળના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) તેમજ આયોજનની વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત ચાલી રહેલા વિકાસકામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરે અમલીકરણ અધિકારીઓ સાથે લાઈન ડિપાર્ટમેન્ટ મુજબ હાથ ધરાયેલા કામોના આયોજન અંગે ચર્ચા કરી હતી. મંજૂર થયેલા કામોની વર્તમાન સ્થિતિ તેમજ ચાલુ પ્રોજેક્ટોની વાસ્તવિક પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. વિકાસકામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય અને તમામ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે કલેક્ટરે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
સાથે જ વિકાસકામોમાં ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે તે અંગે પણ ખાસ ભાર મૂકાયો હતો. કામગીરી દરમિયાન મંજૂર માપદંડો અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન થાય તેમજ કામની અસરકારક દેખરેખ રાખવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય અને પ્રજાને સમયસર વિકાસલક્ષી યોજનાઓનો લાભ મળે તે દિશામાં પણ સૂચનો કરાયા હતા.
દરમિયાન જિલ્લા આયોજન સમિતિ તથા DMFની કારોબારી સમિતિ દ્વારા ઉચ્ચ અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં નવા કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં જંબુસર તાલુકા માટે વિવિધ નવા પ્રોજેક્ટ્સ અંતર્ગત ₹3.16 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે અંદાજે ₹50 લાખની રકમ ફાળવી કામગીરીને ગતિ આપવામાં આવી છે.
આ ઉપરાંત ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની કુમાર પ્રાથમિક શાળામાં સોલાર આધારિત વોટર કૂલર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પણ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. બેઠકમાં આવા પ્રજાલક્ષી કામોને ઝડપથી પૂર્ણ કરી તેનો સીધો લાભ લોકોને મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી.
