વાગરા :
વાગરા તાલુકામાં રાત્રિના સમયે વન્યજીવોના કારણે માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતો હોવાની ચર્ચા વચ્ચે કલમ ગામ નજીક બાઈક સવાર યુવક આડે અચાનક નીલગાય આવી પડતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં રોજાટંકારીયા ગામનો યુવક ઈજાગ્રસ્ત થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, રોજાટંકારીયા ગામનો યુવક નોકરી પૂર્ણ કરી રાત્રિના સમયે બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કલમ ગામ નજીકના માર્ગ પરથી પસાર થતી વખતે અંધારામાં અચાનક જ નીલગાય રસ્તા પર આવી ચઢી હતી. બાઈકચાલકે નીલગાયને બચાવવાનો પ્રયાસ કરતાં બાઈક પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને બાઈક રસ્તા પર પટકાઈ હતી.
અકસ્મતમાં યુવકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.
રાત્રિના સમયે ગ્રામ્ય તેમજ હાઇવે માર્ગો પર વન્યજીવોના અચાનક રસ્તા પર આવી જવાના બનાવોને પગલે વાહનચાલકોની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ આવા જોખમી વિસ્તારોમાં ‘વન્યજીવ ક્રોસિંગ’ના સાઇનબોર્ડ મૂકવા તેમજ વાહનચાલકોને સાવચેત કરવા જરૂરી તકેદારીના પગલાં ભરવા તંત્ર સમક્ષ માગ કરી છે.
