ભરૂચ :
ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સુરત સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશનર સંજય ડી. વસાવાની અધ્યક્ષતામાં ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાની રિવ્યૂ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચારેય નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ચારેય નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરના રોડ-રસ્તા, સ્વચ્છતા વ્યવસ્થા, નાગરિકોને અપાતી સુવિધાઓ તેમજ નગરપાલિકાને લગતા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રાદેશિક કમિશનર દ્વારા નગરપાલિકાઓમાં પેન્ડિંગ રહેલી કામગીરીનો ઝડપી નિકાલ કરવા તેમજ પ્રજાલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ વિકાસલક્ષી કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સમયસર જરૂરી સુવિધાઓ મળી રહે તે બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં નગરપાલિકાઓની કામગીરીમાં વધુ સુસંગતતા લાવવા, વિકાસના કામોને વેગ આપવા તથા પ્રજાના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા અંગે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
