ભરૂચ:
ઓનલાઇન ટ્રેડિંગ અને ફોરેક્સ માર્કેટમાં મોટો નફો કમાવવાની લાલચ આપી રૂ.45.22 લાખની સાયબર છેતરપિંડીના ગુનામાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી સાયબર ઠગોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં આરોપીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં 400થી વધુ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરી વોટ્સએપ એક્ટિવેશન કરાવ્યાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીને ‘Profit Strategy Room 27’ નામના વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ શેરબજાર તથા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી વધુ વળતર અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ‘MARK CM’ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદી પાસેથી અલગ-અલગ આઠ બેન્ક એકાઉન્ટમાં 4 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન કુલ રૂ.45,22,000 જમા કરાવવામાં આવ્યા હતા. બાદમાં નાણાં ઉપાડવા માટે વધુ રૂ.56,41,600 ભરવાની માંગણી કરવામાં આવી હતી. જોકે, અગાઉ જમા કરાવેલી રકમ પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી હતી.
400થી વધુ સીમકાર્ડથી વોટ્સએપ એક્ટિવેશન
તપાસ દરમિયાન એક મોબાઇલ નંબરની ટેકનિકલ તપાસ કરતા ત્રણ મોબાઇલ ડિવાઇસ મળી આવ્યા હતા. ડિવાઇસની ઊંડાણપૂર્વકની તપાસમાં છેલ્લા ત્રણ મહિનામાં 400થી વધુ સીમકાર્ડનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ આ સીમકાર્ડ પોતાના મોબાઇલમાં નાખી વોટ્સએપ એક્ટિવેશનના OTP મેળવી દેશ-વિદેશમાં રહેલા સાયબર ઠગોને વોટ્સએપ નંબરો ઉપલબ્ધ કરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ વોટ્સએપ નંબરોનો ઉપયોગ કંબોડિયા, દુબઈ અને વિયેતનામ જેવા દેશોમાં રહેલા સાયબર ઠગો દ્વારા ભારતીય નાગરિકોનો સંપર્ક કરી વિવિધ પ્રકારની ઓનલાઇન છેતરપિંડી માટે કરવામાં આવતો હતો.
ડમી નંબરો સામે 44 ફરિયાદ, રૂ.6 કરોડથી વધુની ઠગાઈ
પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઇલ ફોન, કુલ કિંમત રૂ.20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુમાં, આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ડમી સીમકાર્ડ નંબરોની નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસ કરતાં આવા નંબરો સામે 44 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદોમાં આશરે રૂ.6 કરોડથી વધુની સાયબર છેતરપિંડી થયાની માહિતી પોલીસને મળી છે.
સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વડોદરા, દાહોદ અને અન્ય સ્થળોએથી ચાર આરોપીઓ—કરણ ભાષાણી (23), સર્વેશ ઉર્ફે ગનુ પાટીલ (20), સુબોધ શર્મા ઉર્ફે રાજુ (34) અને આર્યનકુમાર ઉર્ફે લવ પંચાલ (19)—ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પૈકી કરણ ભાષાણી વિરુદ્ધ અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ સાયબર છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ, વડોદરા વિભાગ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.ડી.માંગરોલિયાની આગેવાનીમાં સાયબર ક્રાઇમ પોલીસ ટીમે હાથ ધરી હતી.
