Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પલસાણામાં ચપ્પુના ઘા મારી મોબાઈલ-રોકડની લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો : રીઢા આરોપી આકાશ બહારે સહિત 7 શખ્સ ઝડપાયા : લૂંટનો મોબાઈલ, રોકડ અને ત્રણ ચપ્પુ મળી કુલ રૂ.27,300નો મુદ્દામાલ કબજે

Share

 

પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં રસ્તા પરથી પસાર થતા યુવકોને ચપ્પુ બતાવી મોબાઈલ અને રોકડની લૂંટ કરી, પ્રતિકાર કરનારને ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડવાના બનાવનો સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. એલસીબી, પેરોલ-ફર્લો સ્કવોડ અને પલસાણા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર આકાશ ભીમરાવ બહારે સહિત કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Advertisement

પોલીસના જણાવ્યા મુજબ તા.30 સપ્ટેમ્બરની રાત્રે આશરે 7:30 વાગ્યે બગુમરા ગામની સીમમાં ભાવનાબેન પટેલની વાડી સામેના રસ્તા પરથી ફરિયાદી અને સાહેદ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને આંતરી ચપ્પુ બતાવી ફરિયાદી પાસેથી વીવો કંપનીનો મોબાઈલ લૂંટી લીધો હતો. જ્યારે સાહેદ પાસેથી રૂ.1,500ની રોકડ લૂંટી હતી. મોબાઈલ લૂંટનો પ્રતિકાર કરતાં એક શખ્સે સાહેદના પગના થાપાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા અને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 309(6), 352 અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને પગલે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ-ફર્લો સ્કવોડ અને પલસાણા પોલીસની અલગ-અલગ ટીમો ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસમાં લાગી હતી.

દરમિયાન PSI એચ.સી. મસાણી અને હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર જયંતિલાલને મળેલી ચોક્કસ બાતમીના આધારે દસ્તાન ગામથી જોળવા જતી નહેર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી આકાશ ભીમરાવ બહારે અને તેના સાગરીતો સહિત સાતેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલો મોબાઈલ, રૂ.1,500 રોકડા, અન્ય ત્રણ મોબાઈલ તથા લૂંટમાં વપરાયેલા ત્રણ ચપ્પુ મળી કુલ રૂ.27,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં તમામ આરોપીઓએ ભેગા મળી લૂંટને અંજામ આપ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.

ઝડપાયેલા આરોપીઓ

આકાશ ભીમરાવ બહારે (24), શુભમ શીવકુમાર ગીરી (24), દેવ મહેશભાઈ રાઠોડ (24), નિલેશ સીતારામ પાટીલ (28), અક્ષય રવિન્દ્ર પાટીલ (24), સત્યમ અવધેશ રાજપુત (21) અને ચેતન ઉર્ફે ચેનુબાબા પ્રકાશ પાટીલ (20)ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી આકાશ બહારે વિરુદ્ધ સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ, મારામારી, પ્રતિબંધક કાયદા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓનો પણ અગાઉનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસે જણાવ્યું છે.

તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે પલસાણા પોલીસને સોંપવામાં આવ્યા છે.


Share

Related posts

પોલીસ જાપ્તામાંથી અનીલ ઉર્ફે એન્થોનીને ભગાડનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ.

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ખાતે “ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ” પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં નારંગીનો અન્નકુટ ધરાવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!