ભરૂચ:
ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમે ગાંધીનગરના સ્પષ્ટ આદેશો અને ૩૦ સપ્ટેમ્બર બાદ નર્મદા નદીના પટમાં રેતી ખનન પર કડક નિયંત્રણો હોવા છતાં ધમધમતા ગેરકાયદે ખનન સામે લાલઆંખ કરી છે. ભરૂચ જિલ્લા ખાણ-ખનિજ વિભાગની તપાસ ટીમે શુક્લતીર્થ સહિત ઝઘડિયા અને આમોદ તાલુકામાં દરોડા પાડીને રૂ. ૩.૧૦ કરોડથી વધુનો બિનઅધિકૃત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.
સોમવારે ભરૂચ જિલ્લા ખાણ-ખનિજ વિભાગની ટીમે શુક્લતીર્થ ખાતે નર્મદા નદીના પટમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખનન અને સંગ્રહ સ્થળો પર અચાનક દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી ૩ એક્સકેવેટર મશીન, એક બાર્જ તેમજ બે યાંત્રિક નાવડીઓ સહિતનો મોટો મુદ્દામાલ ઝડપાઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં દેવેન્દ્રસિંહ પરમાર તેમજ કર્તવ્ય ઠાકોર દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાનું બહાર આવતા રેતીમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શુક્લતીર્થ ઉપરાંત ખાણ-ખનિજ વિભાગની ટીમે ઝઘડિયા તેમજ આમોદ તાલુકામાંથી સિલિકા સેન્ડ (Silica Sand), બ્લકપ અને સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતાં અન્ય ૪ વાહનો પણ ઝડપી લીધા હતા. આ સમગ્ર સંયુક્ત ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા કુલ રૂ. ૩.૧૦ કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જિલ્લા તંત્ર દ્વારા રેતીમાફિયાઓ અને ખનિજની ગેરકાયદેસર હેરાફેરી કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી જારી રહેશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
