Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, ચાવીથી દરવાજો ખોલી રૂ. 5.95 લાખની મત્તાની ચોરી :  પરિવાર દીકરીના સગપણ માટે અમરેલી ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો, સોસાયટીના CCTVમાં ચોરી કરવા આવેલો શખ્સ કેદ

Share

 

અંકલેશ્વર:

Advertisement

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી અંજની હાઇટ્સ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 5.95 લાખની મત્તાની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. પરિવાર દીકરીના સગપણ માટે વતન અમરેલી ગયો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરની બહાર બુટ-ચપ્પલના કબાટમાં મૂકેલી ચાવીનો ઉપયોગ કરી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંજની હાઇટ્સમાં રહેતા 62 વર્ષીય વ્રજલાલ શંભુભાઈ મેતલીયા રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તા. 16 ઓક્ટોબરના રોજ વહેલી સવારે તેઓ પત્ની અને પુત્રી સાથે દીકરીનું સગપણ નક્કી કરવા અમરેલી વતન જવા નીકળ્યા હતા. ઘર બંધ કરતી વખતે તેમણે ઘરની ચાવી મુખ્ય દરવાજા પાસે આવેલા બુટ-ચપ્પલના કબાટમાં પુત્રીના સફેદ બુટમાં મૂકી હતી.

દરમિયાન 21 ઓક્ટોબરના રોજ પરિવારજનોની સૂચનાથી વ્રજલાલભાઈની બહેન સરોજબેન ઘરની ચાવી મેળવી સાડી લેવા ઘરે ગયાં હતાં. ત્યારબાદ 27 ઓક્ટોબરના રોજ પરિવારજનોની સૂચનાથી મકાનની સાફ-સફાઈ પણ કરાવવામાં આવી હતી.

આ દરમિયાન 28 ઓક્ટોબરના રોજ સાંજે આઠ વાગ્યાની આસપાસ મકાનની સામે રહેતા વિનોદભાઈ ચૌધરીએ વ્રજલાલભાઈને ફોન કરી તેમના ઘરનો દરવાજો ખુલ્લો હોવાની અને ચાવી દરવાજા પર લટકતી હોવાની જાણ કરી હતી. વીડિયો કોલ કરીને ઘરની અંદર તપાસ કરતાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.

ત્યારબાદ 29 ઓક્ટોબરના રોજ અંકલેશ્વર પરત ફરેલા વ્રજલાલભાઈએ ઘરમાં તપાસ કરતાં પુત્રીના બેડરૂમમાં આવેલા કબાટના ડ્રોઅર તૂટેલા જોવા મળ્યા હતા. તસ્કરો 24 કેરેટ સોનાની 30 ગ્રામની લગડીના ટુકડા કિંમત રૂ. 4,32,000, 10 ગ્રામનો સોનાનો સિક્કો કિંમત રૂ. 1,43,950 અને રોકડા રૂ. 20 હજાર મળી કુલ રૂ. 5,95,950ની મત્તા ચોરી કરી ફરાર થયા હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી તરફ સોસાયટીના CCTV ફૂટેજ તપાસતાં 28 ઓક્ટોબરના રોજ બપોરે 12:45 વાગ્યે એક અજાણ્યો શખ્સ મકાન પાસે આવી બુટ-ચપ્પલના કબાટમાંથી ચાવી કાઢી દરવાજો ખોલી અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો. ત્યારબાદ બપોરે 1:17 વાગ્યે તે મકાનમાંથી બહાર નીકળતો પણ કેદ થયો છે.

આ બનાવ અંગે વ્રજલાલભાઈ મેતલીયાએ પોલીસને ફરિયાદ આપતાં પોલીસે CCTV ફૂટેજ સહિતના આધારોના આધારે અજાણ્યા તસ્કરને શોધી કાઢવા અને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. ઘરની બહાર મૂકેલી ચાવીનો ઉપયોગ કરીને તસ્કરે ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનાએ સોસાયટીમાં સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે.


Share

Related posts

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંક્લેશ્વર ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫: બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત

ProudOfGujarat

ભરૂચના બ્લુચિપ કોમ્પ્લેક્સમાં આવેલાં બ્લિંકીટ સ્ટોરમાં ફૂડ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ : કોલ્ડ સ્ટોરેજમાંથી બગડેલા શાકભાજી મળ્યા; ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને સ્વચ્છતામાં બેદરકારી સામે આવી, નોટિસ ફટકારાઈ

ProudOfGujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે તેના ‘Seeing is Believing’ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ સાઇટ ડે પર 9 વિઝન સેન્ટર્સ શરૂ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!