Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ-ઉમરપાડામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી : ઓગણીસા ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી સહાયના ચેક અર્પણ કરાયા :  ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ.1,051 કરોડથી વધુની સહાય જમા

Share

 

વાંકલ :

Advertisement

ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રના વિકાસના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ તાલુકાના ઘોડબાર, વાંકલ, ઓગણીસા તેમજ ઉમરપાડા તાલુકાના વાડી ગામે યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઓગણીસા ગામના ભાથીજી મંદિર ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કૃષિ, બાગાયત અને સહકારી ક્ષેત્રના નિષ્ણાતોએ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, નવી ટેક્નોલોજી અને પ્રગતિશીલ ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ ખેડૂતોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાથી વડાપ્રધાન દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂતો અને ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દેશના 9.34 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ.18,680 કરોડથી વધુની સહાય સીધી જમા કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1,051 કરોડથી વધુની સહાયનો લાભ મળ્યો હતો.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત મળવાપાત્ર સહાયના ચેક પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોને ખેતીમાં નવીનતા અપનાવી ઉત્પાદન અને આવક વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વેરાકુઈ ખાતે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ગામીત, ઘોડબાર ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી અને તાલુકા પંચાયત સભ્ય ઇલાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વાંકલ ખાતે તાલુકા પંચાયત સભ્ય ઉજાસભાઈ ચૌધરી, અમિતાબેન ચૌધરી, કનુબેન વસાવા, ડૉ. યુવરાજસિંહ સોનારિયા, ઠાકોરભાઈ ચૌધરી તેમજ ડેપ્યુટી સરપંચ શૈલેષ મૈસુરિયા હાજર રહ્યા હતા.

જ્યારે ઓગણીસા ખાતે તાલુકા પંચાયત સભ્ય સીતાબેન તથા ઉમરપાડા તાલુકાના વાડી ગામે તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન વસાવા, હરેશભાઈ વસાવા અને સ્થાનિક સરપંચો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસના કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સરકારી સહાયની માહિતી, આધુનિક ખેતીનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેડૂતોમાં પણ આ કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ભરાતો શુક્રવારનો હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી રિઝર્વ તળાવમાંથી એક મગરનું બચ્ચું પકડાયું છે. 

ProudOfGujarat

અંકલેશ્વરમા ટ્રાફિકના નિયમોની ધજીયા ઉડાવતા સ્કૂલોની ગાડીના ડ્રાઈવર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!