ભરૂચ :
ભરૂચ શહેરના અતિ વ્યસ્ત પાંચબત્તી વિસ્તારમાં સીટી બસ અચાનક રસ્તાની વચ્ચે જ ખોટકાઈ જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બસ રસ્તા વચ્ચે બંધ પડી જતાં માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રાફિકજામની સ્થિતિ એટલી ગંભીર બની હતી કે ઇમરજન્સી સેવા માટે દોડી રહેલી 108 એમ્બ્યુલન્સ પણ વાહનોની ભીડમાં ફસાઈ ગઈ હતી. વ્યસ્ત માર્ગ પર બસ બંધ પડી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં અવારનવાર સીટી બસો રસ્તા વચ્ચે ખોટકાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જાહેર પરિવહન સેવામાં દોડતી બસોની નિયમિત જાળવણી અને ટેકનિકલ તપાસ થાય છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે. નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા તેમજ આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા તંત્ર દ્વારા બસોની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
