Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ત્રણ વ્યક્તિઓ ગુમ થવાના બનાવોથી ચકચાર : લિંક રોડ પરથી નિવૃત્ત વૃદ્ધ, વડદલામાંથી સાત વર્ષનો બાળક અને લીમડીચોકમાંથી 34 વર્ષીય યુવતી લાપતા; પરિવારોની શોધખોળ છતાં ભાળ નહીં

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસોમાં ત્રણ અલગ-અલગ વ્યક્તિઓ ગુમ થવાના બનાવો સામે આવ્યા છે. જેમાં લિંક રોડની આલ્ફા સોસાયટીમાંથી 67 વર્ષીય વૃદ્ધ, વાગરા તાલુકાના વડદલામાંથી સાત વર્ષનો બાળક અને ભરૂચના લીમડીચોક વિસ્તારમાંથી 34 વર્ષીય યુવતી ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ત્રણેય કિસ્સામાં પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ બનાવમાં ભરૂચના લિંક રોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં રહેતા 67 વર્ષીય ગોવિંદભાઈ પરમાર છેલ્લા પાંચ દિવસથી આદર્શ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગત 16 નવેમ્બરે તેમને રજા મળતાં પુત્ર મનીષભાઈને ફોન કરી ઘરે લઈ જવા જણાવ્યું હતું. જોકે, પુત્ર કામમાં હોવાથી માતા-પિતા રિક્ષામાં ઘરે આવ્યા હતા. સાંજે ગોવિંદભાઈએ આમળાનું જ્યુસ પીવાની ઇચ્છા વ્યક્ત કરતાં પત્ની આમળા લેવા બજારમાં ગઈ હતી. આ દરમિયાન ગોવિંદભાઈ ઘરેથી નીકળી ગયા હતા. સાંજે પુત્ર ઘરે પહોંચ્યો ત્યારે પિતા ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. તેમનો મોબાઇલ, આધારકાર્ડ અને પૈસા ઘરે જ મળી આવ્યા હતા. સોસાયટીના ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ પણ તેમને સાંજે મંદિર પાસેથી પસાર થતા જોયા હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં શોધખોળ કરી છતાં તેમની ભાળ મળી નથી.

બીજા બનાવમાં વાગરા તાલુકાના વડદલા સ્થિત શિવમ કોલોનીમાં રહેતા બિહારના મિઠ્ઠુકુમાર પાસવાનનો સાત વર્ષનો પુત્ર અંકુશકુમાર ગુમ થયો છે. ગત 16 નવેમ્બરે બપોરે ચાર વાગ્યાના અરસામાં તે આજુબાજુનાં બાળકો સાથે રમવા ગયો હતો, પરંતુ પરત ફર્યો નહોતો. પિતા મજૂરી કામેથી ઘરે આવ્યા બાદ પત્ની પાસેથી જાણ થતાં પરિવારજનોએ મોડી રાત સુધી શોધખોળ કરી હતી. બીજા દિવસે પણ સગાંસંબંધીઓ સાથે તપાસ કરવા છતાં બાળકનો પત્તો લાગ્યો નહોતો. બાળક ઘરેથી નીકળ્યો ત્યારે કથ્થાઈ રંગનું શર્ટ અને કાળા રંગનું ઘૂંટણ સુધીનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેની ઊંચાઈ આશરે ચાર ફૂટ છે.

ત્રીજા બનાવમાં ભરૂચના લીમડીચોક, કુંભારિયા ઢોળાવ ખાતે રહેતા 73 વર્ષીય જયદેવભાઈ રાઠોડની 34 વર્ષીય પુત્રી કિરણ ગુમ થઈ છે. ગત 15 નવેમ્બરે સાંજે ચારથી પાંચ વાગ્યાના અરસામાં પરિવારના સભ્યો ઘરે આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન કિરણ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારો અને સગાંસંબંધીઓમાં શોધખોળ કરી હતી, પરંતુ તેની ભાળ મળી નહોતી. કિરણ અગાઉથી માનસિક બીમારીથી પીડાતી હોવાનું અને ભૂતકાળમાં પણ એક વખત ઘરેથી નીકળી ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘરેથી નીકળતી વખતે તેણે રાખોડી રંગનો વનપીસ પહેર્યો હતો. તેના ગળાની જમણી બાજુ ઓપરેશનનું નિશાન છે.

ત્રણેય બનાવોમાં પરિવારજનોએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી ગુમ થયેલા સ્વજનોની શોધખોળ કરી તેમને શોધી કાઢવા અપીલ કરી છે.


Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી અંગે અભદ્ર ટીપણી કરતા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયું પૂતળા દહન કાર્યક્રમ

ProudOfGujarat

ચોમાસાની ઋતુ બેસવા જઇ રહી છે ત્યારે ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકા ખાતેના વડફળીયા ગામમાં મોર નુત્ય કરતો નજરે પડ્યો હતો……

ProudOfGujarat

સાવલી ટીમ્બા રોડ પર આવેલી હોટલમાં મિત્ર સાથે જમવા જતા મંગાવેલ વાનગી માં નીકળ્યો મસ મોટો વંદો ગ્રાહક જોઈ જતાં મચાવ્યો હોબાળો અને પોહચ્યા સારવાર અર્થે દવાખાને

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!