। ભરૂચ ।
યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, સર્જનાત્મકતા અને રાષ્ટ્રનિર્માણમાં ભાગીદારીની ભાવના વિકસે તેવા હેતુથી ભરૂચમાં ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-2027’ અંતર્ગત જિલ્લા કક્ષાની ચેલેન્જ ટ્રેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે યોજાયેલી આ સ્પર્ધામાંથી છ યુવક-યુવતીઓની ગુજરાત રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા હેઠળ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં VBYLD-2027ના એસે રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાંથી પસંદગી પામેલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાં જાગૃતિ શિવાનંદ શુક્લા, નતાશા પૉલ, આયશા પટેલ, કોનિકા કાર, હર્ષ હિરલભાઈ પટેલ અને અંકિત કુમારની પસંદગી કરવામાં આવી છે. આ છ પ્રતિભાશાળી યુવાનો હવે રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
કાર્યક્રમનું સંકલન જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન આર. ગવલી અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સૌરભકુમાર રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાના મૂલ્યાંકન માટે જ્યુરી અધ્યક્ષ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. જાલંધરા તથા જ્યુરી સભ્યો તરીકે જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ, સર્વ હેપ્પીનેશ ફાઉન્ડેશનના સ્થાપક અને સીઈઓ નિતિન ટેલર, રૂંગટા વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય, થવાના આચાર્ય પ્રવીણ પટેલે સેવાઓ આપી હતી.
