આમોદ તાલુકાના રાણીપુરા ગામે નહેરમાં ગેરકાયદેસર રીતે ગાબડું પાડવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે ગામના બસ સ્ટેન્ડ પાસેના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાની ઋતુ ન હોવા છતાં રસ્તા પર પાણી ભરાઈ જતાં વહેલી સવારથી જ વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નહેરમાંથી પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતાં રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વૃદ્ધો, નાના બાળકો તેમજ રોજિંદી અવરજવર કરતા ગ્રામજનોને ઠંડા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. બીજી તરફ નહેરના પાણીથી આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળતાં ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મહિનાઓની મહેનત બાદ તૈયાર થયેલા પાકમાં પાણી ભરાતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
આ મામલે આમોદના જાગૃત ખેડૂત ઉમેશ પંડ્યાએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી તંત્રનું ધ્યાન દોર્યું છે. તેમણે નહેરમાં ગેરકાયદેસર રીતે ગાબડું પાડનાર તત્વોની ઓળખ કરી તાત્કાલિક ગાબડું બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નહેરમાં ગાબડું કોણે પાડ્યું અને આટલી મોટી સમસ્યા સર્જાઈ ત્યાં સુધી સંબંધિત તંત્રને જાણ કેમ ન થઈ તેવા સવાલો પણ ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. ખેડૂતોને થનારા નુકસાનની જવાબદારી કોણ લેશે તે મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે.
હવે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી નહેરનું ગાબડું તાત્કાલિક બંધ કરાવવામાં આવે, ગ્રામજનોને રાહત આપવામાં આવે અને પાકને થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરી ખેડૂતોને વળતર અપાય તેવી માંગ ઉઠી છે. જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે અને ખેડૂતોને નુકસાનનું વળતર ક્યારે મળશે તે જોવું રહ્યું.
