ભરૂચ: ભરૂચની GNFC ટાઉનશિપમાં છેલ્લા ચાર દિવસથી દીપડાની અવરજવરને પગલે રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો. ટાઉનશિપના સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 નજીક દીપડો દેખાતાં સિક્યુરિટી ટીમ એલર્ટ થઈ હતી. ચાર દિવસ અગાઉ એક સિક્યુરિટી ગાર્ડે દીપડાને નજરે જોતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
દીપડાની હિલચાલ પર નજર રાખવા અને તેને સુરક્ષિત રીતે પકડવા વન વિભાગે ટાઉનશિપ વિસ્તારમાં બે પાંજરાં ગોઠવ્યાં હતાં. આખરે દીપડો પાંજરે પુરાતાં વન વિભાગની ટીમે રાહત અનુભવી હતી. બીજી તરફ, દીપડાના ભય વચ્ચે રહેતા ટાઉનશિપના રહીશોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
Advertisement
ઉલ્લેખનીય છે કે અગાઉ ભરૂચના ભોલાવ GIDC વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી હતી. હવે GNFC ટાઉનશિપ જેવા રહેણાક વિસ્તારમાં દીપડાની હાજરી નોંધાતાં શહેરી વિસ્તારોમાં વન્યપ્રાણીઓની વધતી અવરજવરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
