આ દરગાહો ભરૂચ શહેરના સીટી સેન્ટર સામે આવેલા જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આવેલી હતી. અગાઉ જિલ્લા પંચાયત દ્વારા દરગાહના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી, જેના અનુસંધાને આજે કાર્યવાહી કરવામાં આવી.
ડિમોલેશન દરમિયાન એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેર એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવા, બે પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા. બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી દરગાહો તોડી પાડવામાં આવી હતી.
દરગાહો તોડી પાડ્યા બાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલા અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ ધરાશાયી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વહેલી સવારે કાર્યવાહી શરૂ થતા જ દરગાહના ટ્રસ્ટીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ટ્રસ્ટીઓએ દાવો કર્યો હતો કે આ દરગાહો વર્ષોથી અહીં આવેલી છે અને આ મુદ્દે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો. સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે નીચલી કોર્ટમાં જવા આદેશ આપ્યો હોવાનું તથા કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. કાનૂની કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલાં જ તંત્ર દ્વારા ડિમોલેશન કરાતા ટ્રસ્ટીઓમાં રોષ જોવા મળ્યો હતો.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
