શહેરથી ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપક અસર, કેરી સહિતના પાકને નુકસાન; વાવાઝોડા બાદ પુનઃસ્થાપન કામગીરી ધીમી હોવાની ફરિયાદ
ભરૂચ :
ગઇકાલે સાંજે અચાનક આવેલા તોફાની પવન અને વાવાઝોડાએ ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વ્યાપક નુકસાન સર્જ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડો ધરાશાયી થવાની, હોર્ડિંગ બોર્ડ ઉખડી જવાની, છાપરા ઉડી જવાની અને સોલાર પેનલો તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી. આકસ્મિક પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.
વાવાઝોડાની અસર બાદ હાલ પણ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. અનેક સ્થળોએ વીજ લાઈનો તથા પોલને નુકસાન પહોંચતા અંધકારની સ્થિતિ સર્જાઈ છે. વીજ કંપની દ્વારા વિવિધ ટીમો બનાવી પુનઃ પુરવઠો શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે, છતાં કામગીરી ધીમી હોવાની સ્થાનિકોમાંથી ફરિયાદો ઉઠી રહી છે.
નાગરિકોનું કહેવું છે કે ઘટના કુદરતી હોવા છતાં વાવાઝોડા બાદ જે ઝડપથી કામગીરી થવી જોઈએ તે થઈ રહી નથી. સ્ટાફ અને સંસાધનોની અછતને કારણે નગરપાલિકા તેમજ વીજ વિભાગની કામગીરી મર્યાદિત રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ એક ઔદ્યોગિક જિલ્લો હોવા છતાં આવી પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અંગે સવાલો ઊભા થયા છે.
વાવાઝોડાની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગંભીર રહી હતી. જિલ્લાના અનેક ગામોમાં વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો મળ્યા છે. ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ ઉપરાંત અન્ય ખેતી પાકને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર આપવા માંગ કરી છે. હાલ તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે નાગરિકો અને ખેડૂતો તંત્ર પાસેથી ઝડપી રાહત અને પુનઃસ્થાપન કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.
