ભરૂચ :
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં દાખલ કરાયેલ Special Leave Petition (SLP) લગભગ પાંચ વર્ષ સુધી પેન્ડિંગ રાખ્યા બાદ અચાનક પાછી ખેંચી લેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલાએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ખાંડ સહકારી સંસ્થાઓની ચૂંટણી અટકાવવા માટે જ ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે સહકારી ખાંડ મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા સંબંધિત રાજ્ય સરકાર દ્વારા કરાયેલા સુધારા હાઈકોર્ટ દ્વારા રદ થતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. પરંતુ જો કેસમાં કોઈ મજબૂત આધાર ન હતો તો SLPને પાંચ વર્ષ સુધી પેન્ડિંગ રાખવાનું કારણ શું હતું અને હવે અચાનક પરત ખેંચવાનું કારણ શું છે તે પ્રશ્નો ઉભા થાય છે.
સંદીપ માંગરોલાએ વધુમાં કહ્યું કે સરકાર પોતાના એફિડેવિટમાં “informed and conscious administrative assessment” જેવા શબ્દોનો ઉપયોગ કરીને જવાબદારીથી બચવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વાસ્તવમાં સરકાર પાસે કોઈ મજબૂત કાનૂની આધાર નહોતો.
તેમણે આક્ષેપ કર્યો કે કસ્ટોડિયન કમિટીઓ મારફતે ખાંડ સહકારી સંસ્થાઓનો વહીવટ પોતાના હાથમાં રાખવા અને ચૂંટણી ટાળવા માટે જ વિલંબ કરવામાં આવ્યો હતો. આથી સહકારી સંસ્થાઓ નબળી પડી રહી છે અને ખેડૂતોના હિતોને નુકસાન પહોંચી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આ મુદ્દે રાજ્ય સરકારની નિંદા કરતા નીચે મુજબ તાત્કાલિક સ્પષ્ટતા માંગ કરી છે:
- SLP પાંચ વર્ષ સુધી પેન્ડિંગ રાખવાનું કારણ જાહેર કરવામાં આવે
- અચાનક અરજી પરત ખેંચવાના કારણો જાહેર કરવામાં આવે
- જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે
- સહકારી સંસ્થાઓમાં તાત્કાલિક ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવે
- ખેડૂતોને થયેલ નુકસાન બદલ જાહેર માફી માંગવામાં આવે
આ મુદ્દો માત્ર કાનૂની નહીં પરંતુ સહકારી વ્યવસ્થા, લોકશાહી અને ખેડૂતોના હિત સાથે સીધો સંબંધ ધરાવતો હોવાથી રાજ્ય સરકાર તાત્કાલિક જાહેરમાં જવાબ આપે તેવી માંગ ઉઠી છે.
