ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો
જિલ્લામાં ૯ તાલુકામાં કુલ ૫૫ કેન્દ્ર પર ૧૪,૨૫૯ છાત્રો કસોટી આપશે
। ભરૂચ ।
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી ૪ એપ્રિલના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશીપ (CGMS)નું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેર જિલ્લાના ૯ તાલુકાઓમાં કુલ ૫૫ કેન્દ્ર પર ૧૪,૨૫૯ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
રાજ્યમાં ધો. ૧થી ૮ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અથવા તો આરટીઈ હેડળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ કર્યો હોય તેવા બાળકોને મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશીપ (CGMS)ની પરીક્ષા આપવાથી રાજ્યભરમાંથી ૨૫ હજાર બાળકોને સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાં ધો.૯થી ૧૦ દર વર્ષ માટે ૬ હજાર, ધો. ૧૧થી ૧૨ દર વર્ષ માટે ૭ હજાર અભ્યાસ કરે ત્યા સુધી આપવામાં આવે છે.ત્યારે આ પરીક્ષામાં ભરૂચ જિલ્લામાંથી ગુજરાતી માધ્યમના ૧૩,૫૪૪ તેમજ અંગ્રેજી માધ્યમના ૬૯૪ મળી કુલ ૧૪,૨૩૮ અને ૨૧ એડિશનલ મળી કુલ ૧૪,૨૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકામાં કુલ ૫૫ કેન્દ્રના ૫૦૦ વર્ગમાં યોજાનારી પરીક્ષા માટે ૫૫ કેન્દ્ર સંચાલક, ૫૫ વહિવટી મદદનીશ, ૫૫ કલાર્ક કમ ટેક્નિશીયન, ૫૦૦ ખંડ નિરીક્ષક, ૫૭ રિલીવર, ૨૮૩ જેટલા કર્મચારીઓ સેવક અને પાણીવાળા તરીકેની કામગીરી કરશે.
આમોદમાં ૧૦૪૨ છાત્રો ૪ કેન્દ્રના ૩૭ બ્લોકમાં પરીક્ષા આપશે તેજ પ્રમાણે અંક્લેશ્વરમાં ૨૦૦૦ છાત્રો ૮ કેન્દ્રના ૩૦ બ્લોકમાં, ભરૂચમાં ૩૪૦૦ છાત્રો ૧૩ કેન્દ્રના ૧૨૦ બ્લોકમાં પરીક્ષા આપશે. હાંસોટમાં બે કેન્દ્રના ૧૮ બ્લોકમાં ૪૯૯, જંબુસરમાં ૮ કન્દ્રના ૭૨ બ્લાકમાં ૨૦૬૫, નેત્રંગમાં ૬ કેન્દ્રના ૫૧ બ્લોકમાં ૧૪૮૫ છાત્રો પરીક્ષા આપશે. જ્યારે વાગરામાં ૫ કેન્દ્રના ૪૩ બ્લોકમાં ૧૨૧૦ વિદ્યાર્થીઓ, વાલિયામાં ૩ કેન્દ્રના ૩૧ બ્લોકમાં ૮૭૩ વિદ્યાર્થીઓ તેમજ ઝથડિયામાં ૬ કેન્દ્રના ૫૮ બ્લોકમાં ૧૬૬૪ છાત્ર પરીક્ષા આપશે.
