સવારમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા લોકોમાં હડકંપ
નગરપાલિકાએ પાણીના નમૂનાઓ તપાસ માટે મોકલ્યા, કારણ અંગે અટકળો તેજ
ભરૂચ :
ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોતના બનાવે સ્થાનિકોમાં ચિંતા અને આશ્ચર્યનું વાતાવરણ ઉભું કર્યું છે. વર્ષો જૂના આ તળાવમાં આવી રહસ્યમય ઘટના બનતા લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, તળાવના પાણી પર મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી. સવારના સમયે સ્થાનિક રહેવાસીઓએ આ દ્રશ્ય નિહાળતાં જ તાત્કાલિક નગરપાલિકા અને સંબંધિત વિભાગોને જાણ કરી હતી. ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
માછલીઓના આચાનક મોત પાછળના કારણોને લઈને વિવિધ અટકળો સામે આવી રહી છે. કેટલાક લોકો પાણીમાં પ્રદૂષણ અથવા ઝેરી રસાયણ મિશ્રણની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે નિષ્ણાતો ઓક્સિજનના અભાવને મુખ્ય કારણ તરીકે જોવી રહ્યા છે. તાજેતરના સમયમાં વધતા તાપમાન અને પાણીની ગુણવત્તામાં ઘટાડો પણ આ ઘટનામાં મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે.
નગરપાલિકા દ્વારા તળાવના પાણીના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ સામે આવશે. આ દરમિયાન તળાવ આસપાસ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમોને નિયંત્રિત કરી શકાય.
આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. લોકો તળાવના સંરક્ષણ, નિયમિત સફાઈ અને પાણીની ગુણવત્તા જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યા છે. જીપીસીબી દ્વારા પણ આ મામલામાં તપાસ કરવામાં આવે અને કસુરવારો સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ થઇ રહી છે. પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ સફાઇ કામદારો તળાવમાં કચરાનો નિકાલ ન થાય તેની તકેદારી રાખવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
