ભરૂચ.
દહેજ નજીક આવેલાં વડદલા ગામે રોયલ રેસિડન્સીમાં રહેતાં અને મુળ યુપીના વતની એવા રાજુપ્રસાદ અયોધ્યાપ્રસાદ તેમની રોયલ રેસિડન્સીમાં જ મનોજ કિરાના સ્ટોર નામની દુકાન ચલાવે છે. તેમની સોસાયટીમાં રહેતાં પુરણસિંહ નરેન્દ્રસિંહ (મુળ રહે. ચંપાવત, ઉત્તરાખંડ) અવાર નવાર તેમની દુકાને આવતો હતો. તેમજ કામ અર્થે તેમની એક્ટિવા પણ લઇ જતો હતો. 8મીએ સવારે દશેક વાગ્યે પુરણસિંહએ તેમની દુકાને આવી તેને જોલવા ખાતે થોડું કામ છે તમારી એક્ટીવા આપો તેમ કહી તેમની એક્ટીવા લઇને જોલવા જવા માટે નિકળી ગયો હતો. જે બાદ અયોધ્યા પ્રસાદ પણ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયાં હતાં. અરસામાં પોણા અગિયાર વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે ફોન કરી તેમને જણાવ્યું હતું કે, તમારી એક્ટીવાને સરસ્વતિ ટાઉનશીપ પાસે પહોંચતાં તેમની એક્ટીવા રોડની સાઇડમાં પડેલી હતી. જ્યારે પુરણસિંહને 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે આસપાસમાં પુછતાં લોકોએ જણાવ્યું હતું કે, સરસ્વતિ ટાઉનશીપ પાસેના સ્પિડ બ્રેકરના કારણે તેમણે બેલેન્સ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પુરણસિંહની સારવાર ચાલી રહી હતી. જોકે ગત 10મી એપ્રિલે રાત્રીના સાડા 9 વાગ્યાના અરસામાં તેમનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. જેના પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
