ભરૂચ : જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના વધતા આતંકને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભરૂચ તાલુકાના કરમાલી ગામે ગઈકાલે મોડી સાંજે દીપડાએ ગાયના ત્રણ વાછરડાં પર હુમલો કર્યો હતો. જેમાં બે વાછરડાંને સ્થળ પર જ મારી નાખ્યા જ્યારે એક વાછરડાને દીપડો ઉપાડી ગયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હવે દીપડો સમી સાંજે જ શિકાર માટે બહાર નીકળતો હોવાથી ગામલોકોમાં ભય ફેલાયો છે. અગાઉ પણ તવરા ગામે એક ફાર્મહાઉસની દીવાલ કૂદતો દીપડાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
કરમાલી ગામમાં આ પહેલાં પણ દીપડાએ બકરાના બચ્ચાનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. સતત બનતી આવી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગ્રામજનો દ્વારા વન વિભાગને દીપડાને પકડવા અથવા યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે જેથી ગામમાં સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
