ભરૂચ : ભરૂચ શહેરમાં બુધવારે “ગૌ સન્માન આહવાન અભિયાન” અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ તથા હિન્દૂ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાઈ ગયો હતો. રેલી દરમિયાન ગૌ સંરક્ષણને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
શણગારેલી ગૌમાતા, ઢોલ-નગારા અને જયઘોષ સાથે રેલીનો પ્રારંભ શહેરની પાંજરાપોળથી થયો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં પ્રતિનિધિમંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ સાથે ગૌમાતાને “રાષ્ટ્રમાતા”, “રાષ્ટ્રદેવ”, “રાષ્ટ્ર આરાધ્યા”, “રાષ્ટ્ર ધરોહર” અને “રાષ્ટ્ર આધાર” તરીકે સન્માન આપવાની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત ગૌસેવા અને ગૌ સંરક્ષણ માટે કડક કેન્દ્રીય કાયદો અમલમાં મૂકવા તેમજ અલગ કેન્દ્રીય ગૌ મંત્રાલયની રચના કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, કૃષિ પરંપરા અને જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. ગૌસેવા અને ગૌ સંરક્ષણ માટે સમાજના તમામ વર્ગોએ સંગઠિત બની કાર્ય કરવાની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.
રેલીમાં શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને જીવદયા સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
