Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગૌરક્ષકોની સતર્કતાથી પશુ ક્રૂરતા અને ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ : ઉમરાજ બાયપાસ પરથી ગાયો ભરેલો ટેમ્પો ઝડપાયો

Share

3 ગાય અને 1 વાછરડી અમાનવીય હાલતમાં મળી, 4.37 લાખનો મુદ્દામાલ કબ્જે
ભરૂચ.
ભરૂચ નજીક આવેલા ઉમરાજ ગામના બાયપાસ રોડ પરથી ગાયો ભરેલો એક ટેમ્પો ઝડપાતા પશુ ક્રૂરતા અને ગેરકાયદે પશુ હેરાફેરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગૌરક્ષક કાર્યકરોની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી પશુઓને કતલખાને લઈ જવાના કથિત પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કવિઠા ગામના ગૌરક્ષક કાર્યકર વિક્રમ ભરવાડ અને તેમની ટીમને વહેલી સવારે બાતમી મળી હતી કે ગાયો ભરેલો એક ટેમ્પો ઉમરાજ તરફથી પસાર થઈ કતલખાને લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ગૌરક્ષક કાર્યકરો ઉમરાજ પાટિયા નજીક વોચ ગોઠવી ઉભા રહ્યા હતા. દરમિયાન શંકાસ્પદ ટેમ્પો દેખાતા તેને રોકી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટેમ્પાની તપાસ કરતા અંદર 3 ગાય અને 1 નાની વાછરડીને અત્યંત દયનીય અને અમાનવીય હાલતમાં ભરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પશુઓને ખીચોખીચ ભરી ટૂંકા દોરડાથી બાંધવામાં આવ્યા હતા, જેથી તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા. વધુમાં પશુઓ માટે ઘાસચારો કે પાણી જેવી મૂળભૂત સુવિધાની કોઈ વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન ટેમ્પો ચાલક તરીકે મોહસીન મુસ્તુફા કુરેશીની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે ટેમ્પો તથા પશુઓ સહિત અંદાજે રૂ. 4.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પશુઓને ગેરકાયદેસર રીતે અન્યત્ર લઈ જવાઈ રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સ્થાનિક ગૌરક્ષક સંગઠનોમાં પણ ભારે રોષ ફેલાયો હતો. ગૌરક્ષકોએ પશુઓ સાથે થતી ક્રૂરતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ, ગૌવંશ સંરક્ષણ કાયદા તથા ગેરકાયદે પશુ હેરાફેરી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેમને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

Share

Related posts

પ્રથમ ડિલિવરીમાં એક સાથે ૩ છોકરા અને ૧ છોકરીને જન્મ આપતી મહિલા.તમામ સંતાનો અને માતા તંદુરસ્ત….

ProudOfGujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અકસ્માત: ક્લિનરનું મોત, ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ, સંસ્થાએ નિયમો પણ બનાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!