કલેક્ટર વાગરા ખાતે અને જિલ્લા વિકાસ અધિકારી વાલીયા ખાતે લોકપ્રશ્નો સાંભળશે
ભરૂચ.
ભરૂચ જિલ્લાના જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ લોકસુખાકારી અને નાગરિકોની ફરિયાદોનું સમયસર તેમજ અસરકારક નિરાકરણ થાય તે હેતુસર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવશે. આ અંતર્ગત તા.૨૬ મે, ૨૦૨૬ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અને તા.૨૮ મે, ૨૦૨૬ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે.
સરકાર દ્વારા નાગરિકોની રજૂઆતોને ઝડપી નિકાલ મળે અને લોકોને સીધા વહીવટી તંત્ર સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક મળે તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન અને નિરાકરણ કરવાનો પ્રયાસ કરશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અરજદારો દર મહિનાની ૧થી ૧૦મી તારીખ દરમિયાન પોતાની રજૂઆતો ઓનલાઈન SWAGAT Gujarat Portal પર નોંધાવી શકે છે. ઉપરાંત અરજીઓ રૂબરૂ અથવા ટપાલ મારફતે પણ બે નકલમાં સંબંધિત કચેરી ખાતે મોકલી શકાશે.
અરજી કરતી વખતે અરજદારે અરજીના મથાળે “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એવું સ્પષ્ટ લખવાનું રહેશે. અરજી કુલસ્કેપ કાગળ પર સુવાચ્ય અક્ષરોમાં લખેલી હોવી જોઈએ તેમજ તેમાં અરજદારનો મોબાઈલ નંબર અથવા ટેલિફોન નંબર ફરજિયાત દર્શાવવાનો રહેશે. પોસ્ટકાર્ડ અથવા આંતરદેશીય પત્ર પર કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અરજદારે પોતાનો પ્રશ્ન જાતે જ રજૂ કરવાનો રહેશે. અન્ય વ્યક્તિના પ્રશ્નોની રજૂઆત માન્ય ગણાશે નહીં. અરજીમાં માત્ર એક જ વિષય તથા એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવો રહેશે. સાથે જ જે અરજીનો અગાઉ સંબંધિત વિભાગમાં યોગ્ય નિકાલ ન થયો હોય અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રજૂઆત છતાં પ્રશ્ન યથાવત રહ્યો હોય તેવી બાબતો જ જિલ્લા સ્વાગતમાં લેવામાં આવશે.
કોર્ટ કેસ, નોકરી સંબંધિત બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી તેમજ પ્રથમ વખતની અરજી જેવા પ્રશ્નો આ કાર્યક્રમમાં સ્વીકારવામાં આવશે નહીં તેમ પણ સૂચન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ અંતર્ગત તા.૨૬ મેના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા કલેક્ટરશ્રી વાગરા તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગતમાં હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળશે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વાલીયા તાલુકામાં અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આમોદ તાલુકામાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત વિવિધ તાલુકાઓમાં પણ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. જેમાં અંકલેશ્વર ખાતે જિલ્લા પુરવઠા અધિકારી, હાંસોટ ખાતે નાયબ કલેક્ટર અંકલેશ્વર, ઝઘડીયા ખાતે જિલ્લા આયોજન અધિકારી, નેત્રંગ ખાતે નાયબ કલેક્ટર ઝઘડીયા, જંબુસર ખાતે નાયબ કલેક્ટર જંબુસર, ભરૂચ શહેર ખાતે નાયબ કલેક્ટર ભરૂચ તેમજ ભરૂચ ગ્રામ્ય ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) લોકોના પ્રશ્નો સાંભળશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સમયમર્યાદામાં અરજી કરી પોતાના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આ કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
