તા. 17 મેથી 31 મે સુધી નાગરિકો ઓનલાઇન આપી શકશે પરિવારની વિગતો
કલેકટર કચેરી દ્વારા જનતાને ડિજિટલ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા અપીલ
ભરૂચ જિલ્લામાં ભારતની વસ્તી ગણતરી-૨૦૨૭ના ભાગરૂપે ‘સ્વ-ગણના’ (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાગરિકોને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક રીતે પોતાની માહિતી નોંધાવવાની તક મળે તે હેતુથી આ ડિજિટલ પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેકટર દ્વારા જાહેર જનતાને આ પ્રક્રિયામાં સક્રિય સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત જિલ્લાના નાગરિકો તા. 17 મે 2026થી તા. 31 મે 2026 દરમિયાન પોતાના મોબાઇલ ફોન, ટેબલેટ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓનલાઇન માધ્યમથી પોતાના પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકશે. આ સમગ્ર પ્રક્રિયા સરળ, સુરક્ષિત તેમજ સમય બચાવનારી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
સ્વ-ગણનાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન બીજા તબક્કામાં ઘરયાદી ગણતરી (House Listing) હાથ ધરવામાં આવશે. આ દરમિયાન સરકારી ગણતરીદારો ઘરેઘરે જઈ વિગતોની ચકાસણી કરશે.
નાગરિકોએ સ્વ-ગણના માટે સત્તાવાર વેબસાઈટ
Self Enumeration Portal
પર જઈ પોતાની વિગતો ઓનલાઇન ભરવાની રહેશે.
વસ્તી ગણતરી સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા મૂંઝવણના નિરાકરણ માટે સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1855 પણ કાર્યરત કરવામાં આવ્યો છે, જેનો નાગરિકો ઉપયોગ કરી શકશે.
ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા દરેક પરિવારને એક “Self Enumeration ID” જનરેટ થશે. આ આઈડીને સાચવી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે. બાદમાં જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર કર્મચારી ઘર મુલાકાતે આવે ત્યારે આ Self ID તેમને આપવાની રહેશે.
જિલ્લામાં સમગ્ર કામગીરીનું સુચારુ આયોજન અને દેખરેખ માટે કુલ 18 ચાર્જ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં નોડલ ઓફિસર તરીકે અર્પિત ત્યાગી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત વાગરા, ભરૂચ, વાલિયા, ઝગડિયા, નેત્રંગ, હાંસોટ, અંકલેશ્વર, આમોદ અને જંબુસરના મામલતદારો તેમજ વિવિધ નગરપાલિકા અને ઔદ્યોગિક વિસ્તારોના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
તંત્રના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરીના આંકડા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ, રોજગાર, માર્ગ-મકાન અને પાયાની સુવિધાઓના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આથી, દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી સાથે આ ડિજિટલ સ્વ-ગણના પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાવું જોઈએ તેવી અપીલ જિલ્લા વસ્તી ગણતરી અધિકારી દ્વારા કરવામાં આવી છે.
