ભરૂચ :
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોરગામે નવીનગરીમાં રહેતા એક ડમ્પર ચાલકને ડીઝલ ચોરીના શંકા આધારે ઓફિસે બોલાવી લોખંડ અને પ્લાસ્ટિકની પાઈપ વડે ઢોરમાર મારવામાં આવ્યો હોવાની ચકચારજનક ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પીડિતને દોરડાથી ઊંધા માથે લટકાવી જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી અમાનૂસી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ પીડિત નટવરભાઈ વસાવા છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય અક્ષય પટેલ ના પુત્ર રૂષી પટેલના હાઈવા ડમ્પરમાં ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 15 મેના રોજ તેઓ અન્ય એક ડ્રાઈવર સાથે જંબુસર ખાતે રેતી ખાલી કરી પરત ફર્યા બાદ તેમને બકાપુર ઓફિસે બોલાવવામાં આવ્યા હતા.
આરોપ છે કે, ઓફિસ ખાતે રૂષી પટેલે તેમને એક વાહનનો ફોટો બતાવી ડીઝલ ચોરી અંગે સવાલ કર્યો હતો. નટવરભાઈએ આરોપ નકારતા જ રૂષી પટેલે લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ અન્ય ચાર સાગરીતોએ પણ પ્લાસ્ટિકની પાઈપોથી આડેધડ ફટકા મારી મારમાર્યો હતો.

પીડિતના જણાવ્યા અનુસાર આરોપીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી તેમના પગ દોરડાથી બાંધી ઓફિસમાં ઊંધા માથે લટકાવી દીધા હતા અને જાતિવિષયક ગાળો આપી ગડદા-પાટુનો માર માર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે નટવરભાઈ બેભાન જેવી હાલતમાં પહોંચી જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
બાદમાં ઓફિસના અન્ય કર્મચારીઓએ તેમને બચાવી મોટરસાઈકલ મારફતે કહોણા હોડી ઘાટ સુધી પહોંચાડ્યા હતા, જ્યાંથી તેમના પુત્રે ઘરે લઈ જઈ 108 એમ્બ્યુલન્સ દ્વારા પહેલા ઉમલ્લા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
આ બનાવ બાદ આદિવાસી સમાજના આગેવાનો તેમજ પીડિત પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એડવોકેટ મિનેશ પરમારે જણાવ્યું હતું કે, પીડિત ડ્રાઈવરને એટલી ગંભીર ઇજાઓ પહોંચી છે કે તેઓ આગામી બે થી ત્રણ મહિના સુધી કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ ફરિયાદમાં હજુ સુધી BNS કલમ 109 અને 118(2) જેવી ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી. આ મામલે ટૂંક સમયમાં DySP સમક્ષ રજૂઆત કરવામાં આવશે. સાથે જ રાજકીય દબાણ વગર નિષ્પક્ષ તપાસ થાય, તમામ પુરાવાઓ સુરક્ષિત રાખવામાં આવે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ કેસમાં રૂષી અક્ષય પટેલ, જયદતબાપુ ઉર્ફે દેવેશબાપુ, સાહીલ પટેલ ઉર્ફે સાહીલ પઠાણ, જાવીદ પઠાણ અને વિજયભાઈ સામે ગુનો નોંધાયો છે. હાલમાં વલણ પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.
