ભરૂચ જિલ્લાના પાંચમી અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી જમીનોના કથિત ગેરકાયદેસર હસ્તાંતરણ, પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ તેમજ વાઘપુરા સ્થિત સિલિકા પ્લાન્ટ દુર્ઘટના મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આદિવાસી આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંદીપ વસાવા, ડો. ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી.
આગેવાનોએ જણાવ્યું હતું કે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના પાંચમી અનુસૂચિ હેઠળ આવતા વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73-AA નો ભંગ કરીને આદિવાસીઓની જમીનો ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આદિવાસી પરિવારોને ગેરમાર્ગે દોરી બાનાખત અને અન્ય દસ્તાવેજોના આધારે તેમની જમીનો પડાવી લેવામાં આવી રહી છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે પેસા એક્ટ તથા બંધારણીય જોગવાઈઓની અવગણના કરીને વિસ્તારમાં ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ્સ કાર્યરત છે, જેના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિક નદીઓ, ખેતી અને કુદરતી સંપત્તિ પર તેની સીધી અસર પડી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું.
આદિવાસી આગેવાનોએ વાઘપુરા ખાતે આવેલા ઓલસીલ સિલિકા પ્લાન્ટમાં થયેલી દુર્ઘટનાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્લાન્ટમાં બેદરકારીના કારણે માનવ મૃત્યુ થયાં હોવા છતાં માત્ર ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે પ્લાન્ટ સંચાલકો અને માલિકોની જવાબદારી નક્કી કરવામાં આવી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાન્ટને શોકોઝ નોટિસ આપવામાં આવી હોવા છતાં તેને બંધ કરવામાં આવ્યો નથી. જેના કારણે જવાબદાર અધિકારીઓ તેમજ પ્લાન્ટ સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધવાની માંગ પણ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના કરવામાં આવેલી બાનાખત કે અન્ય ગેરકાયદેસર દસ્તાવેજોના આધારે પડાવી લેવાયેલી આદિવાસી જમીનો સરકાર ખાલસા કરી મૂળ ખાતેદારોને પરત સોંપે. સાથે જ જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે.
ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોને તાત્કાલિક બંધ કરવા, વિસ્તારોમાં સર્વે હાથ ધરવા, પર્યાવરણને થયેલા નુકસાનની તપાસ કરવા સહિત કુલ 16 મુદ્દાસર માંગણીઓ આદિવાસી આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં રજૂ કરવામાં આવી હતી.
