ભરૂચ
ભરૂચ આરટીઓ કચેરીની ટીમે સ્કૂલવાહનોના ચેકિંગની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ટીમે શહરેમાં ચેકિંગ વેળાં 6 વાહનો સામે કાર્યવાહી કરી કુલ ૪૮.૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ભરૂચ આરટીઓ કચેરીના એઆરટીઓ પી. આર. પઢીયાર તેમજ તેમની ટીમે દ્વારા ગુરુવારે શહેરના શેરપુરા વિસ્તારમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલવાન તેમજ રીક્ષાઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરટીઓ ઈન્સ્પેક્ટર એ. બી. રાણા તેમજ તેમની ટીમે વાહન ચેકિંગની પક્રિયા શરૂ કરતાં કેટલાંક નિયમભંગ કરનાશ રીક્ષા અને સ્કૂલવાન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આરટીઓ દ્વારા સ્કૂલવાન અને રીક્ષાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાની વાત વીજળીક રીતે વિસ્તારમાં ફેલાતાં વાહન ચાલકો પણ ટીમોથી બચવાની ફિરાકમાં આંટાફેરા મારી રહ્યાં હતા. દરમિયાનમાં રસ્તામાં ચાલતાં જતાં છાત્રોને પુછવામાં આવતાં કેટલાંક વાહન ચાલકોએ તેમના છાત્રોને રસ્તામાં જ ઉતારી દીધા હોવાના કિસ્સા પણ સામે આવ્યાં હતાં.
ટીમો દ્વારા સ્કૂલવાન અને રીક્ષાને રોકી તમામ દસ્તાવેજોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાહનોના આરસી બુક. સ્કૂલ તરફથી આપવમાં આવેલી પરમિટ તેમજ મંજૂરી, પીયુસી, વીમો તેમજ વાહનનું હિટનેસ સર્ટીફિકેટ સહિતના તમામ દસ્તાવેજો ચકાસવામાં આવતાં દિવસભરમાં કુલ ૬ વાહનો સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બે સ્કૂલવાન તેમજ ૪ રીક્ષાને કુલ ૪૮,૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ તેમને આગળની કાયદાકિય પ્રક્રિયા માટે આરટીઓ કચેરીએ હાજર રહેવાં સુચના અપાઈ હતી.
