ભરૂચ: અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના હાથે મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતેથી ઝડપાઈ ગયો છે. રથયાત્રા અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાથ ધરાયેલા વિશેષ અભિયાન દરમિયાન આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમોની રચના કરી હતી. તે દરમિયાન એલસીબીના પીએસઆઈ એ.વી. શિયાળીયાની ટીમને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં ફરાર આરોપી ભરતભાઈ સુરેશભાઈ પેડણેકર હાલ મુંબઈ ખાતે પોતાના નિવાસસ્થાને હાજર છે.
માહિતીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક મુંબઈ પહોંચી હતી. આરોપીના નિવાસસ્થાન પર વોચ ગોઠવી જરૂરી બાતમી મેળવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરતા તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ એલસીબી કચેરી લાવવામાં આવ્યો હતો.
