ભરૂચ.
આગામી ગણેશોત્સવ તથા દશામા સહિતના ધાર્મિક તહેવારો દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)માંથી બનાવવામાં આવતી દેવી-દેવતાઓની પ્રતિમાઓના ઉત્પાદન, વેચાણ તેમજ કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જન પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સતુ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને વિનંતીપત્ર પાઠવવામાં આવ્યું છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, સતુ ચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ભરૂચ જિલ્લામાં પર્યાવરણ સુરક્ષા અને જાળવણી માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સંસ્થા છેલ્લા આશરે દસ વર્ષથી ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ અંગે જનજાગૃતિ ફેલાવવાની સાથે માટીની પ્રતિમાઓ બનાવવાના પ્રશિક્ષણ વર્ગોનું પણ આયોજન કરે છે.
સંસ્થાના સતત પ્રયાસો અને લોકોમાં વધેલી પર્યાવરણીય જાગૃતિના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભરૂચ જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન માટીની ગણેશ પ્રતિમાઓની સ્થાપનાનું ચલણ વધ્યું છે. જોકે, હજુ પણ ગણેશોત્સવ, દશામા સહિતના તહેવારો દરમિયાન POPની પ્રતિમાઓનું ઉત્પાદન અને વેચાણ થતું હોવા ઉપરાંત મોટી સંખ્યામાં આવી પ્રતિમાઓનું કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જન કરવામાં આવતું હોવાની રજૂઆતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સંગઠને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓનો ઉલ્લેખ કરી વર્ષ 2026ના આગામી તહેવારો દરમિયાન POPની પ્રતિમાઓના બનાવટ, વેચાણ અને કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જન સામે અસરકારક પ્રતિબંધ અમલમાં મૂકવાની માંગ કરી છે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરવામાં આવી છે.
રજૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ અંગે કરેલી અપીલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંગઠને પર્યાવરણ અને કુદરતી જળસ્ત્રોતોના સંરક્ષણના હિતમાં જિલ્લા તંત્ર દ્વારા સમયસર અને કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.
