ભરૂચ:
અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિવાસી શાળાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો નિહાળી તેમના આત્મવિશ્વાસ, પ્રતિભા અને ઉત્સાહની પ્રશંસા કરી વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મુલાકાત દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સંસ્થા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ શાળા, તાલીમ વિભાગ, રહેણાંક વ્યવસ્થા તેમજ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.
અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ, સંભાળ, પુનર્વસન અને સ્વાવલંબન માટે કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરીને તેમણે બિરદાવી હતી. દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા કરવામાં આવતું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવી ભવિષ્યમાં પણ સેવાભાવ અને નિષ્ઠા સાથે કામગીરી ચાલુ રાખવા શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મગનભાઈ હનિયા, ઉપપ્રમુખ ભરતભાઈ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ સહિત સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
“સેવા, સંવેદના અને સંસ્કાર દ્વારા વિશેષ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ”ના ધ્યેય સાથે કાર્યરત અસ્મિતા વિકાસ કેન્દ્ર માટે આ મુલાકાત પ્રેરણા અને ઉત્સાહનો સ્ત્રોત બની હતી.
