ભરૂચ :
દહેજ પંથકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે શખ્સોએ બસના ડ્રાઈવરને ધમકાવી પાર્કિંગમાં ઉભેલી લક્ઝરી બસ જબરદસ્તી લઈ ફરાર થઈ જતાં દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બાદમાં આરોપીઓ બસ દહેજ પોલીસ સ્ટેશન નજીક મૂકી ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના જાગેશ્વર ગામના રહેવાસી રવિ બાબુ પટેલ ભરૂચના રિશીકુમાર આહિરીની માલિકીની લક્ઝરી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બસ દહેજના વેદાંત કોમ્પ્લેક્સથી એલએનજી પાછળ આવેલી કેમ ઈન્ડિયા પ્રોજેક્ટ સુધી કંપનીના કર્મચારીઓના પરિવહન માટે ચલાવવામાં આવે છે.
ગત 21મી તારીખે સવારે કર્મચારીઓને મુક્યા બાદ રવિ પટેલે બસ વેદાંત કોમ્પ્લેક્સ ખાતે પાર્ક કરી ઘરે ગયા હતા. સાંજે કર્મચારીઓને લેવા માટે પરત આવ્યા ત્યારે ભાવેશ પ્રભુ આહિર (રહે. લખીગામ) અને જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ (રહે. દહેજ) ઈકો કારમાં ત્યાં પહોંચ્યા હતા.
આરોપીઓ બસમાં ચઢી બસ ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ડ્રાઈવર રવિ પટેલે તેમને રોકવાનો પ્રયાસ કરતાં બંનેએ અપશબ્દો બોલી ધમકી આપી અને “તારા શેઠ સાથે વાત કરી લેજે” કહી બસ જબરદસ્તી લઈને ફરાર થઈ ગયા હતા.
ઘટનાને પગલે રવિ પટેલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દરમિયાનમાં આરોપીઓ બસ દહેજ પોલીસ સ્ટેશન નજીક મૂકી છાનામાના ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પોલીસ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ, આરોપીઓની હિલચાલ અને ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.
