ભરૂચ :
ભરૂચ શહેરના નવી વસાહત વિસ્તારમાં થોડા દિવસો અગાઉ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને સફળતા મળી છે. એલસીબીએ કુખ્યાત **’સિકલીગર ગેંગ’**ના એક આરોપીને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડી કુલ ₹57 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ગેંગનો અન્ય એક સાગરીત હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે એલસીબીની ટીમ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા સક્રિય હતી. નવી વસાહત વિસ્તારમાં થયેલી ઘરફોડની ઘટનાના પગલે પોલીસે સ્થળની મુલાકાત લઈ સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં કુખ્યાત **’સિકલીગર ગેંગ’**ની સંડોવણી સામે આવી હતી.
દરમિયાન આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે સરભાણ ચોકડી નજીકથી **શેરશીંગ ઉર્ફે સત્નામ બચ્ચનશીંગ સિકલીગર (ઉ.વ. 32)**ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના સાળા ગબ્બરશીંગ દિલીપસીંગ સિકલીગર સાથે મળીને ભરૂચ શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. ચોરી દરમિયાન મળેલા દાગીના ગબ્બરશીંગ લઈ ગયો હોવાનું અને રોકડ રકમ પોતે રાખી હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસે આરોપીના કબ્જામાંથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી Honda Shine મોટરસાયકલ, એક મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ ₹57 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર આરોપી ગબ્બરશીંગ સિકલીગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી સામે વડોદરા, આણંદ અને આમોદ પોલીસ મથકોમાં અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
