ભરૂચ :
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્વ. અહેમદ પટેલને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, નાઝૂ ફડવાલા, હેમેન્દ્ર કોઠીવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ સ્વ. અહેમદ પટેલની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાજકીય અને સામાજિક યોગદાનને યાદ કર્યું હતું.
રાજકારણના ‘ચાણક્ય’ તરીકે આગવી ઓળખ
સ્વ. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવન દરમિયાન કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સંગઠન કૌશલ્ય, રાજકીય કુનેહ અને વિવિધ પક્ષોના નેતાઓ સાથેના સંકલનને કારણે તેઓ રાજકારણમાં ‘ચાણક્ય’ તરીકે ઓળખાતા હતા. ભરૂચમાંથી રાજકીય સફરની શરૂઆત કરી તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પણ પોતાની આગવી છાપ ઉભી કરી હતી.
કોરોના મહામારીમાં નિધનથી કોંગ્રેસે દિગ્ગજ નેતા ગુમાવ્યો
કોરોના મહામારી દરમિયાન સ્વ. અહેમદ પટેલનું નિધન થતાં કોંગ્રેસ પાર્ટીએ એક અનુભવી અને દિગ્ગજ નેતા ગુમાવ્યો હતો. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ ભરૂચ સહિત ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે તેમની યાદો આજે પણ તાજી છે. જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસના આગેવાનોએ અહેમદ પટેલની લોકસેવા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને યાદ કરી તેમના યોગદાનને નમન કર્યું હતું.
