ભરૂચ :
ભરૂચ શહેરના રેલવે ગોદી વિસ્તારમાં આવેલી ગટરકાંસમાંથી માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કંકાલનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રેલવે ગોદી વિસ્તારમાં આવેલી ગટરકાંસમાં એક આખલો ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી હતી. દરમિયાન કાંસમાંથી માનવ કંકાલ મળી આવતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. કંકાલ મળી આવતાં આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા પણ એકઠા થયા હતા.રેલવે પોલીસે કંકાલનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની ઓળખ તેમજ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે કંકાલને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
હાલ પોલીસ દ્વારા મુખ્યત્વે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે મૃતક કાંસમાં કેવી રીતે પડ્યો હતો. મૃતકની હત્યા કરવામાં આવી હતી કે તેણે આત્મહત્યા કરી હતી અથવા તો અકસ્માતે કાંસમાં પડી જતાં તેનું મોત થયું હતું, તે સહિતની તમામ શક્યતાઓને આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત કંકાલ કેટલા સમયથી કાંસમાં પડ્યો હતો, મૃતકની ઓળખ શું છે અને મૃત્યુ કયા સંજોગોમાં થયું હતું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા લોકો અંગેની વિગતો પણ પોલીસ દ્વારા મેળવવાની કવાયત હાથ ધરાઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ માનવ કંકાલ પાછળનું રહસ્ય ઉકેલાય તેવી શક્યતા છે. બનાવને પગલે રેલવે ગોદી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
